શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરી છે. શહેરના ૭ પોલીસ સ્ટેશનની ટીમોએ પેટ્રોલિંગ અને બાતમીના આધારે દરોડા પાડી ગાંજા તથા પ્રતિબંધિત કફ સીરપના જથ્થા સાથે ૭ આરોપીને ઝડપી લીધા છે. પોલીસે તમામ કેસોમાં ગાંજાનો જથ્થો અને કફ સીરપની બોટલો કબજે કરી તપાસ હાથ ધરી છે.શાહીબાગ પોલીસની એન.ડી.પી.એસ. સ્ક્વોડે મહાપ્રજ્ઞજી બ્રિજ નીચે રેન બસેરા પાસેથી અસારવામાં રહેતા ઓમ ચંદ્રકાંત ચાવડાને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ૩.૧૫૦ ગ્રામ ગાંજા, રોલિંગ પેપર, મોબાઇલ ફોન અને સુઝુકી બર્ગમેન મળી કુલ રૂ.૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો આપનાર અજાણ્યા શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ ઇસનપુર પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે ચંડોળા તળાવની પાળ પાસેથી ગીતા મંદિર રોડ પર રહેતા હર્ષ અશોકભાઈ મકવાણાને ૨૧.૧૩૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીને આ જથ્થો આપનાર નારોલના અજાણ્યા શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જ્યારે વાસણા પોલીસે ભાઠા ગામમાં ઘરની બહાર ગાંજાનું છૂટક વેચાણ કરતી ઉર્મીલાબેન પરમારને ઝડપી પાડી ૩૫.૭૬૦ ગ્રામ ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ગુલબાઈ ટેકરાની નીતા ભાટી પાસેથી ગાંજા મેળવ્યો હોવાનું સામે આવતાં તેની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. જ્યારે આનંદનગર પોલીસે પ્રહલાદનગર ગાર્ડન પાછળ શાકમાર્કેટવાળી ગલીમાંથી વેજલપુરમાં રહેતા નવઘણ વાઘેલાને ૬૬૩ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. આરોપી આ જથ્થો જમાલપુરના ભુરા પાસેથી લાવ્યો હોવાની હકીકત સામે આવી છે. તો કાગડાપીઠ પોલીસે ઓટોરિક્ષામાં જઈ રહેલા સચીન નાણેચાને કફ સીરપની ૬ બોટલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે ગાયકવાડ હવેલી પોલીસે પણ હિસ્ટ્રીશીટર જાવેદ પઠાણને કફ સીરપની ૧૦ બોટલો સાથે ઝડપી લીધો હતો. બીજીબાજુ નારોલ પોલીસે લાંભામાંથી અશોક પંચાલને ૨ કિલો ૨૫૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. આરોપી આ જથ્થો સુરતના કાળુ મદ્રાસી પાસેથી લાવ્યો હોવાની હકીકત મળતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




































