સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ અર્બુદા ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન ધાર્મિક પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ હાજરી આપીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ સંઘ પ્રદેશના પ્રશાસક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્બુદા ધામની વિશેષતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આજે હું જે ધામ પર આવ્યો છું ત્યાં વિરાસત પણ છે અને વિકાસ પણ છે. અહીં શિક્ષણ પણ છે અને માતાજીના આશીર્વાદ પણ છે. આ બંનેને સાથે પકડીને આપણે જે વિકાસ કરી રહ્યા છીએ, તે ખરેખર પ્રશંસનીય છે.”
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આજનો આ પાવન પ્રસંગ માત્ર એક ધાર્મિક મહોત્સવ નથી, પરંતુ તે સામાજિક એકતા, સંગઠન શક્તિ અને સામૂહિક સંકલ્પનો અદભુત સંગમ છે. સમાજના ઉત્થાન અને રાષ્ટ્ર નિર્માણમાં સામાજિક સંગઠનોની ભૂમિકા પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે સમાજ સંગઠિત બને, શિક્ષિત બને, સંસ્કાર સભર અને આત્મનિર્ભર બને, ત્યારે રાષ્ટÙની પ્રગતિને નવી ગતિ મળે છે. તેમણે શ્રદ્ધા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં આપણને દેવી શક્તિના આશીર્વાદ સતત મળતા રહ્યા છે.
પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુવા પેઢીને યોગ્ય દિશા આપવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ સામાજિક સંદેશ આપ્યો હતો. તેમણે સમાજના યુવાનોને વ્યસનોથી દૂર રહીને નશામુક્ત બનવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીના આ સંદેશને ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.