અમરેલી જિલ્લાના પ્રવાસીઓ, વેપારીઓ અને દૈનિક મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે અમરેલી મિશન બ્રોડગેજ દ્વારા સાંસદ ભરત સુતરિયાના પી.એ.ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાંસદ હાજર ન હોવાથી તેમના પી.એ.એ આવેદનપત્ર સ્વીકાર્યું હતું. રજૂઆતમાં જણાવાયું હતું કે અમરેલી-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ પૂર્ણ થતાં હવે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવે. અમરેલીથી ધંધુકા, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને વાપી થઈ મુંબઈ સુધી સીધી ટ્રેન શરૂ કરવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત અજમેર, જયપુર, મથુરા, દિલ્હી અને હરિદ્વાર માટે પણ ટ્રેનો ફાળવવા રજૂઆત થઈ હતી. દૈનિક મુસાફરો અને વેપારીઓ માટે વહેલી સવારે અમદાવાદ જવા તથા રાત્રે પરત ફરવા ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવાની માંગ કરાઈ હતી. પ્રમુખ રાજેશભાઈ ગાંધીની આગેવાનીમાં આશાબેન દવે, જયદીપભાઈ વ્યાસ, અનસુયાબેન શેઠ અને ગૌતમભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. પી.એ.એ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
































