એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને ‘વોકલ ફોર લોકલ’ અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોના એક નિર્ણયે ચર્ચા જગાવી છે.
એએમસીની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એલજી હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગ માટે ચીનમાં બનેલા મેડિકલ સાધનો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ અને શાસકોના વહીવટી નિર્ણય વચ્ચે વિરોધાભાસ જાવા મળી રહ્યો છે.
એલજી હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગ માટે અંદાજે ૪૬ લાખ રૂપિયાના ખર્ચે ચીનમાં બનેલા ૧૦ વોશર મશીન ખરીદવામાં આવશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે અગાઉ ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ બિડર આવ્યા નહોતા. ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવતાં બિડર મળ્યા હોવાથી નિયમ મુજબ તેમને ટેન્ડર ફાળવવામાં આવ્યું છે.
બીજી તરફ, આગામી શોપિંગ ફેસ્ટિવલની સફળતા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપવાના નિર્ણય પર હાલ રોક લગાવવામાં આવી છે. આ મામલે પાંચ શાસકોની બોડી બેસીને એજન્સીનું પ્રેઝન્ટેશન જાશે અને ત્યારબાદ મંજૂરી અંગે નિર્ણય લેવાશે. કાર્યક્રમને વધુ સફળ બનાવવા તમામ પ્રયાસો કરવામાં આવશે તેમ ચેરમેને જણાવ્યું હતું.
આગામી બજેટને ધ્યાનમાં રાખીને છસ્ઝ્ર દ્વારા નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં પત્ર અને ઈમેઈલ મારફતે કુલ ૨,૦૦૭ સૂચનો મળ્યા છે. તેમાંથી ૯૭૪ સૂચનો મરજિયાત સેવાઓ અને બાકીના સૂચનો ફરજિયાત સેવાઓને લગતાં હોવાનું ચેરમેને જણાવ્યું હતું.
આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર એએમસીની કામગીરીની પ્રસિદ્ધિ કરવા માસિક ૯ લાખ રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સીને કામ સોંપવાનો પ્રસ્તાવ પણ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. એજન્સીના છ વ્યક્તિના સ્ટાફ દ્વારા કઈ કામગીરી કરવામાં આવશે તેની વિગતો મેળવ્યા બાદ જ નિર્ણય લેવાશે. જોકે, આ તમામ નિર્ણયો વચ્ચે એલજી હોસ્પિટલમાં ચીનમાં બનેલાં સાધનોની ખરીદી સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની વાતો વચ્ચે એએમસીના આ નિર્ણયે ભાજપના શાસકો સામે સવાલો ઊભા કર્યા છે.








































