ડાકોરમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાની વાત કરી નિવૃત્ત શાસનાધિકારી પાસેથી ૧.૨૫ કરોડ મેળવવાના કથિત છેતરપિંડીના મામલે રાજકોટમાં પાંચ લોકો સામે ગુનો નોંધાયો છે. આરોપીઓમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી સહિતના લોકોનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ, આફ્રિકાથી મંદિર માટે મોટું દાન આવવાનું હોવાનું કહી જમીન ખરીદીના સોદામાં રોકાણ કરાવાયું હતું. જોકે, ન તો જમીનનો દસ્તાવેજ થયો કે ન તો રોકાણ કરેલી રકમ પરત મળી.ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેરે ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૦૪-૦૫ દરમિયાન મોરબીના શિક્ષણ વિભાગમાં નોકરી કરતા હતા ત્યારે તેમની ઓળખ ચિંતન પરમાર સાથે થઈ હતી. ચિંતન જમીન-મકાનની દલાલીનું કામ કરતો હતો. મે, ૨૦૨૦માં તેણે ફોન કરીને ડાકોરમાં આશરે ૩૦૦થી ૪૦૦ વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવાની યોજના હોવાનું જણાવ્યું હતું. આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ પણ આપી હતી.ત્યારબાદ ચિંતન તેમને રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સંતોને મળવા લઈ ગયો હતો. ત્યાં માધવપ્રિય સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી અને લાલજી બાવભાઈ ઢોલા સાથે મુલાકાત કરાવી હતી. ફરિયાદ મુજબ, સંતોએ ડાકોરના સૂઈ અને સૈયત ગામ પાસે મહુધા રોડ પર જમીન જાઈ રાખી હોવાનું અને મંદિર તથા ગૌશાળા બનાવવા માટે આફ્રિકાથી દાન મળવાનું હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, દાન આપનાર વ્યÂક્તને જમીન ખરીદીનું અસલ સાટાખત બતાવવું જરૂરી હોવાનું કહી ફરિયાદીને પોતાના નામે જમીન ખરીદવા માટે સમજાવવામાં આવ્યા હતા. જમીનના સોદામાં રોકાણ કરવાથી મૂળ રકમ ઉપરાંત કમિશન પણ મળશે તેવી વાત કરવામાં આવી હતી. લાલજી ઢોલાએ પોતે મંદિરના ખજાનચી તરીકે કામ કરતા હોવાનું જણાવી રોકાણ કરેલી રકમ પરત અપાવવાની ખાતરી આપી હતી.ત્યારબાદ ચિંતન અને લાલજી ફરિયાદીને ડાકોર લઈ ગયા હતા, જ્યાં જમીનમાલિક જેકી શરદભાઈ રામી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. જેકીએ કુલ ૩૫૪ વીઘા જેટલી જમીન બતાવી હતી. ફરિયાદ મુજબ, જમીનનો ભાવ અને સોદા અંગે વાતચીત થયા બાદ ફરિયાદીએ શરૂઆતમાં ૧ લાખ આપ્યા હતા.
ફરિયાદ મુજબ, ૮ જૂન, ૨૦૨૦ના રોજ ફરિયાદી પોતાના પુત્ર, ભાગીદાર, ભત્રીજા અને અન્ય લોકો સાથે ડાકોર ગયા હતા. ત્યાં જમીનમાલિક જેકી રામીને જમીન ખરીદી પેટે ૧.૨૪ કરોડ રોકડા આપ્યા હતા. આ રકમ આપતી વખતે ફરિયાદીના પુત્રના મિત્ર ગૌરાંગ ઘોરડાએ મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.રકમ આપ્યા બાદ જેકી રામીએ ૩૦૦ના સ્ટેમ્પ પેપર પર જમીન વેચાણ અંગે સમજૂતી કરાર એટલે કે સાટાખત કરી આપ્યું હતું. તેમાં બાકીની રકમ આઠ મહિનામાં ચૂકવવાની અને ત્યારબાદ જમીનનો દસ્તાવેજ કરી આપવાની શરત હતી. ફરિયાદીને અસલ સાટાખત આપવામાં આવ્યું હતું, જ્યારે તેની ઝેરોક્સ નકલ જમીનમાલિકે પોતાની પાસે રાખી હતી.ફરિયાદીનો આક્ષેપ છે કે, જમીનનું અસલ સાટાખત મળ્યા બાદ તેમણે તે માધવપ્રિય સ્વામીને આપ્યું હતું. સ્વામીએ આફ્રિકાથી દાન આપનાર વ્યÂક્તને બતાવવા માટે અસલ સાટાખત પોતાની પાસે રાખવું પડશે તેમ જણાવ્યું હતું. સાથે જ ૧૦ દિવસમાં દાનની રકમ આવી જશે અને ત્યારબાદ રોકાણ કરેલી રકમ, જમીનની બાકીની રકમ તથા કમિશન પરત આપી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.જાકે, ૧૦ દિવસ બાદ રકમ અંગે પૂછતાં દાન મેળવવા માટે આફ્રિકા જવાનું બાકી હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ દાન આવી ગયું છે, પરંતુ એફસીઆરએ સર્ટિફિકેટ મળવાનું બાકી હોવાથી રકમ ઉપાડી શકાતી નથી તેમ કહેવામાં આવ્યું હતું. થોડા સમય પછી માધવપ્રિય સ્વામીએ આફ્રિકાથી દાન મળ્યું ન હોવાનું કહી જમીનમાલિક પાસેથી રૂપિયા પરત લેવા જણાવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદ મુજબ, જ્યારે ફરિયાદી અને તેમના સાથીઓએ જેકી રામી પાસે રકમ પરત માગી ત્યારે તેણે બાકીની ૧.૫૧ કરોડની રકમ આઠ મહિનામાં ચૂકવવાની હતી, પરંતુ સમયસર ન ચૂકવતાં હવે રૂપિયા પરત નહીં મળે તેમ જણાવ્યું હતું. ફરિયાદીએ લોકડાઉનને કારણે સમયસર ચુકવણી ન થઈ હોવાનું અને સ્વામીઓએ જમીન લેવાની ના પાડી હોવાનું સમજાવ્યું હતું. તેમ છતાં રકમ પરત આપવામાં આવી ન હતી.આ મામલે ફરિયાદીએ ફેબ્રુઆરી, ૨૦૨૩માં ડાકોર પોલીસ સ્ટેશનમાં જેકી રામી અને ચિંતન પરમાર સામે અરજી કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં થયેલી બેઠકમાં અગાઉના સાટાખતને રદ કરીને ૧.૨૫ કરોડ જેટલી કિંમતની જમીનનું ટાઇટલ ક્લીયર કરાવી રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાનો નવો સમજૂતી કરાર થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જાકે, આ કરાર મુજબ પણ જમીનનો દસ્તાવેજ કરવામાં આવ્યો ન હતો અને રકમ પરત મળી ન હતી. સમગ્ર મામલે રાજકોટ શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ અમદાવાદના ચિંતન અશ્વીનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા અને ડાકોરના જેકી શરદભાઈ રામી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.






































