લાઠી તાલુકાના છભાડીયા ગામના પ્લોટ વિસ્તારમાં રૂ.૧.૨૦ કરોડના ખર્ચે માઇનોર બ્રિજના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજ બનવાથી ગામના લોકો, ખેડૂતો અને વાહનચાલકોને અવરજવરમાં મોટી રાહત મળશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણીના વહેણને કારણે પડતી મુશ્કેલીઓ દૂર થશે અને સલામત પરિવહન સુવિધા મળશે. આ પ્રસંગે જનક તળાવીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ મજબૂત બનાવી સર્વાંગી વિકાસ કરવો એ પ્રાથમિકતા છે. ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો, ભાજપના હોદ્દેદારો, સરપંચ, આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.