અમરેલીની એડી. સેશન્સ કોર્ટે એટ્રોસિટી અને મારામારીના કેસમાં મતીરાળા ગામના ઉપસરપંચ ગણેશભાઈ હરજીભાઈ વિરમગામાને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપી તરફે સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદી રોકાયા હતા.બનાવની વિગત મુજબ તા.૧૩-૦૨-૨૦૧૭ ના રોજ મતીરાળા ગ્રામ પંચાયતની કચેરીમાં સરપંચ દ્વારા કારોબારીની મીટીંગ બોલાવવામાં આવી હતી. મીટીંગમાં ઉપસરપંચ ગણેશભાઈ હાજર હતા. આ કામના ફરિયાદી આલાભાઈ હીરાભાઈ લુવાર, જેમના પત્ની ધનીબેન ચૂંટાયેલા સભ્ય હતા, તે પણ હાજર હતા.મીટીંગ પુરી થયા બાદ ગટરની ગ્રાન્ટ શા માટે અટકાવો છો, ગટરનું કામ નબળું થયેલ છે તેવી રજૂઆત સરકારમાં કરેલ છે તેમ કહેતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપીએ ફરિયાદીને ગાળો આપી માર માર્યો હોવાનો આક્ષેપ હતો. ફરિયાદીને ગંભીર ઈજા થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને હોસ્પિટલમાંથી જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભારતીય ફોજદારી ધારા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ કરી ચાર્જશીટ કર્યું હતું. આ કેસમાં જ્ઞાતિના અને તાલુકાના આગેવાનોએ સમાધાન માટે ખૂબ મહેનત કરવા છતાં સમાધાન થયું ન હતું. કેસ ચાલતા સરકાર પક્ષે ફરિયાદી, સાક્ષીઓ, ડોક્ટર, તાલુકા વિકાસ અધિકારી અને તપાસ અધિકારીની જુબાની લેવાઈ હતી. સમગ્ર કેસ ચાલતા ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. કાયદાની જોગવાઈઓની છણાવટને ધ્યાને લઈ એડી. સેશન્સ જજ એમ.એમ. પરમારે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.





































