અમરેલીથી પોતાના વતન દેવભૂમિ દેવળિયા જઈ રહેલા સમૃદ્ધિસેતુના મેનેજર સંજયભાઈ પરમારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગુરુવારે ચક્રરગઢ અને દેવળિયા વચ્ચે એક મોટરસાઇકલ પડેલી હતી અને પરેશ ગોહિલ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. તેમના માથામાંથી લોહી વહી રહ્યું હતું. સંજયભાઈએ તાત્કાલિક ૧૦૮ને ફોન કર્યો અને પોતાના રૂમાલથી યુવકના માથા પર ઘા પાસે પાટો બાંધી લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પરેશભાઈના પરિવારજનોને જાણ કરવામાં આવી અને ૧૦૮ મારફતે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર અને એમઆરઆઈ બાદ તેમની સ્થિતિ ગંભીર હોવાથી ભાવનગર લઈ જવાની સલાહ અપાઈ હતી. પરિવારજનો ગભરાયેલા હતા ત્યારે સંજયભાઈએ હિંમત આપી તાત્કાલિક ભાવનગર જવા આગ્રહ કર્યો હતો. ત્યાં ઉત્તમ સારવાર મળતાં ૪૮ કલાકમાં પરેશભાઈ ભયમુક્ત બન્યા હતા.દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરેશભાઈ અને તેમની દીકરીને સંજયભાઈની સમયસૂચકતા અને સેવાભાવનાથી મોટી રાહત મળી છે. અકસ્માત સમયે જરૂરિયાતમંદને મદદ કરવી એ દરેક નાગરિકની ફરજ છે.




































