ગાંધીનગરમાં સરકારી કર્મચારી દ્વારા ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવવા બોગસ સીસીસી સર્ટિફિકેટ રજૂ કર્યાનો મામલો સામે આવ્યો છે. માણસા તાલુકાના ખરણા ઉપકેન્દ્ર ખાતે ફરજ બજાવતા પશુધન નિરીક્ષક વિપુલકુમાર પટેલ સામે આક્ષેપ છે કે તેમણે કમ્પ્યુટર કૌશલ્યનું બનાવટી પ્રમાણપત્ર સરકારી કચેરીમાં રજૂ કરીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારના આદેશથી પ્રમાણપત્રોની ક્રોસ તપાસ હાથ ધરવામાં આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પશુપાલન વિભાગના ઓક્ટોબર ૨૦૨૫ના પરિપત્રના આધારે વિભાગ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓનાં કમ્પ્યુટર કૌશલ્યનાં પ્રમાણપત્રોની ખરાઈ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન જુનિયર ક્લાર્ક કાજલબેન દેસાઈએ ઓનલાઈન પોર્ટલ પર તપાસ કરતાં પશુધન નિરીક્ષક વિપુલકુમાર પટેલનું સીસીસી સર્ટિફિકેટ દેખાયું નહોતું. આથી પ્રમાણપત્રની અધિકૃતતા અંગે શંકા ઊભી થઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.પ્રમાણપત્રની ખરાઈ માટે ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ, ગાંધીનગરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કાઉન્સીલે પત્ર દ્વારા સ્પષ્ટતા કરી હતી કે વિપુલકુમાર પટેલે રજૂ કરેલું પ્રમાણપત્ર ખોટું અને બનાવટી છે.
ખાતાકીય તપાસ દરમિયાન પ્રમાણપત્રમાં દર્શાવેલી પરીક્ષાની તારીખ ૨૪ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ પરીક્ષા યોજાઈ જ ન હોવાનું પણ સામે આવ્યું હતું. આ વિગતોના આધારે પ્રમાણપત્રની વિશ્વસનીયતા અંગેના આક્ષેપોને વધુ બળ મળ્યું હતું.ફરિયાદ મુજબ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના રહેવાસી વિપુલકુમાર પટેલે ઉચ્ચતર પગાર ધોરણનો આર્થિક લાભ મેળવવાના ઇરાદાથી આ પ્રમાણપત્ર સરકારી દફતરે રજૂ કર્યું હતું. મામલો સામે આવ્યા બાદ પશુપાલન નિયામકની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાયબ પશુપાલન નિયામક ડા. સુકેતુકુમાર બાબુલાલ ઉપાધ્યાયે ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
સરકારી કર્મચારી દ્વારા પ્રમાણપત્રની ખરાઈમાં ગેરરીતિનો મામલો સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ આ કેસમાં ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને ઉપલબ્ધ દસ્તાવેજાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપ અંગે અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ થશે.