અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આઇટી કંપનીમાં ડિરેક્ટર બનાવવાની અને ઊંચા નફાની લાલચ આપીને વેપારી તથા તેમના મિત્ર પાસેથી ૧.૦૭ કરોડથી વધુની રકમ પડાવી લેવાના આક્ષેપ સાથે બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ છૈં પ્રોજેક્ટ્સ અને સરકારી કામકાજમાં રોકાણ કરાવવાના બહાને રૂપિયા લીધા હતા. બાદમાં રોકાણની રકમ પરત માગતાં ધમકી આપી ઓફિસ બંધ કરી દીધી હોવાનો આક્ષેપ છે.
વ†ાલમાં રહેતા ૪૩ વર્ષીય વેપારી તેજસ પટેલે મયુર પ્રમોદસિંહ રાજપૂત અને માધવ પ્રમોદસિંહ રાજપૂત સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૧૮-૨૦૧૯ દરમિયાન વસ્ત્રાલના એક જીમમાં બંને આરોપીઓ સાથે તેમની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ નાના નાણાકીય વ્યવહારો દ્વારા વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો.
જાન્યુઆરી ૨૦૨૫માં માધવ દુબઈથી પરત આવ્યો હતો. તેણે તેજસ પટેલને વિદ્યાસેતુ પ્રાઇવેટ લિમિટેડ નામની આઇટી કંપનીમાં રોકાણ કરવાની ઓફર આપી હતી. કંપનીની વેલ્યુ ટૂંક સમયમાં ૧૪૦ કરોડ સુધી પહોંચવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, એઆઇ સોફ્ટવેર અને દુબઈમાં ચાલતા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરીને રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.ફરિયાદ મુજબ, આરોપીઓએ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રોજેક્ટ્સ પર કામ મળવાનું હોવાનું જણાવ્યું હતું. કંપનીમાં ૪ ટકા શેર અને ડિરેક્ટર બનાવવાની ખાતરી આપીને અંગ્રેજીમાં લખેલા દસ્તાવેજા પર સહીઓ કરાવી હતી.ફેબ્રુઆરીથી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન તેજસ પટેલ પાસેથી ૨૩ લાખ રોકડા અને બેંક મારફતે ૩૫ લાખ સહિત કુલ ૫૮ લાખ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત, તેમના મિત્ર મયુરભાઈ મનસુખભાઈ પટેલ પાસેથી પણ ૪૯.૫૦ લાખનું રોકાણ કરાવાયું હતું. આમ, બંને પાસેથી કુલ ૧.૦૭ કરોડથી વધુની રકમ લેવામાં આવી હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, કંપનીમાં કામ કરતા એક વ્યક્તિ પાસેથી તેજસ પટેલને જાણ થઈ હતી કે કંપની વાસ્તવિક પ્રોજેક્ટ્સ કરતી નથી અને રોકાણકારોની રકમ વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવતી હોવાની શંકા છે.ત્યારબાદ ફરિયાદીએ પોતાના રૂપિયા પરત માગ્યા હતા. આ સમયે આરોપીઓએ બેંક ઓફ બરોડાનો ચેક આપ્યો હોવા છતાં ફોન પર ચેક જમા નહીં કરાવવા અને રૂપિયા પરત નહીં આપવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.ફરિયાદ મુજબ, થોડા સમય બાદ આરોપીઓએ પોતાની ઓફિસ બંધ કરી દીધી હતી. રોકાણની રકમ પરત ન મળતાં તેજસ પટેલે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.





































