અમરેલી શહેરમાં પિતાની મિલકત આપી દેવાની શંકામાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જ્યોતિબેન રાજુભાઈ સોલંકી (ઉં.વ. ૪૫)એ રાજુભાઇ ગફુરભાઇ વાઘેલા, કૈલાશબેન રાજુભાઇ વાઘેલા, સોનલબેન રાજુભાઇ વાઘેલા તથા કમલેશભાઇ કજુભાઇ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રાજુભાઈ વાઘેલાને શંકા હતી કે તેઓના પિતાજી પોતાની મિલકત જ્યોતિબેનને આપી દેશે. આ જ શંકા રાખી આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ મોઢાના ભાગે લોખંડનો સળિયો મારતાં છએક ટાંકા આવ્યા હતા તથા સાક્ષીઓને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. સામે પક્ષે, કૈલાશબેન રાજુભાઇ વાઘેલા (ઉં.વ. ૪૫)એ કિશનભાઇ રાજુભાઇ વાઘેલા, જ્યોતિબેન રાજુભાઇ સોલંકી, જયશ્રીબેન ગફુરભાઇ વાઘેલા તથા રાજુભાઇ કેશુભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ, કિશનભાઈ વાઘેલાએ કૈલાશબેનના પતિને પોતાનું ઘર ખાલી કરી દેવાનું કહેતા પતિએ ‘કાલે ખાલી કરી દઈશું’ તેમ કહ્યું હતું. આથી કિશનભાઈએ તેમના પતિને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને વાળ પકડી ઢીકાપાટુનો મુંઢ માર મારી માથામાં પથ્થર મારી એક ટાંકો આવે તેવી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તેમના નાના દીકરા કમલેશનું ગળું પકડી તેને પણ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. બી. સૈયદ વધુ તપાસ ચલાવી રહ્યા છે.