ભાવનગરના વરતેજ સ્થિત રંગોલી રિસોર્ટમાં નવરાત્રિના આયોજન દરમિયાન વિધર્મીઓની હાજરીના મુદ્દે હોબાળો થયો હતો. આ મામલે હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ, ૨૦૦થી વધુ કાર્યકરો આયોજન સ્થળે પહોંચતાં તણાવપુર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન વિરોધ કરી રહેલા કાર્યકરો અને સુરક્ષા માટે તહેનાત બાઉન્સરો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના પગલે વાતાવરણ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં નવરાત્રીના આયોજક અનિરુધ્ધસિંહ ગોહિલ પણ સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન હિંદુ સંગઠનોના કાર્યકરો અને આયોજક વચ્ચે શાબ્દિક ગરમાગરમી થઈ હતી. પરિસ્થિતિ તંગ બનતાં પોલીસનો કાફલો પણ સક્રિય થયો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન હિંદુ સંગઠનોના ૩૫ જેટલા કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. નવરાત્રીના આયોજન દરમિયાન સર્જાયેલા આ હોબાળાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે.








































