ધારી તાલુકાના વિરપુર ગામની સીમ વિસ્તારમાં આજે સવારે આશરે ૯ વાગ્યાના સુમારે ખેતરમાં કામ કરી રહેલા પરપ્રાંતીય મજૂરો પર મધમાખીઓના ઝુંડે અચાનક હુમલો કરતાં અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં બે મહિલાઓ સહિત કુલ ચાર મજૂરોને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાડીના માલિક સાથે થયેલી વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તમામ ઈજાગ્રસ્તોની તબિયત સામાન્ય જણાતાં તેમને રજા આપવામાં આવી છે. સદનસીબે તમામ મજૂરોની તબિયત સુધારા પર હોવાથી હાલ કોઈ ગંભીર સ્થિતિ ન હોવાનું જાણવા મળ્યું છે.