એક ઘરમાં એક નાનકડો કરોળિયો રહેતો હતો. તેનું નામ હતું કક્કુ
કક્કુને ઊંચે ઊંચે ચડીને જાળું બનાવવું બહુ ગમે. એક દિવસ તેણે ઘરના એક ખૂણામાં નજર કરી. – “અરે વાહ! આ ખૂણો તો એકદમ સરસ છે! અહીં હું મોટું જાળું બનાવીશ. માખીઓ પણ આવશે, મચ્છરો પણ આવશે. પછી તો મારે ખાવાની મજા જ મજા!” આટલું વિચારીને ટપુડો ખુશ થઈ ગયો.
પણ એક મુશ્કેલી હતી. ખૂણો હતો બહુ ઊંચે! કક્કુએ પોતાના આઠેય પગ સરખા કર્યા અને બોલ્યો, “ચાલો ભાઈ, કામે લાગી જાઓ!” તે ધીમે ધીમે દીવાલ પર ચડવા લાગ્યો.
‘ચડ… ચડ… ચડપ’
હજુ થોડે જ ઉપર ગયો હશે ત્યાં તેનો પગ લપસ્યો. – ધબ્બાક!
કક્કુ પડ્‌યો અને સીધો આવ્યો નીચે! – “ઓય મા! આ દીવાલ તો બહુ લપસણી છે!” તે બોલ્યો.
નીચે બેઠેલી કીડી હસીને બોલી, “કક્કુ, તું જાળું બનાવવા જાય છે કે કસરત કરવા?”
કક્કુએ મોઢું ચડાવ્યું. – “હસે છે શું? જોતી રહેજે! હું આજે ઉપર પહોંચીને જ રહીશ.”
તે ફરીથી ચડવા લાગ્યો. – ‘ચડ… ચડ… ચડપ’
આ વખતે તે થોડો વધારે ઉપર પહોંચ્યો.
“વાહ! હવે તો મારું જાળું પાક્કું!”
પણ અચાનક તેના પગ ફરી લપસ્યા. તે ફરી પડ્‌યો. – ‘સરરર… ધપ્પ!’
કક્કુ ઊભો થયો. તેણે પોતાના પગ ખંખેર્યા અને બોલ્યો, “અરે રે! આ દીવાલ પર સીડી કેમ નથી બનાવી રાખી?”
કીડી બોલી, “તારે જાળું બનાવવું છે કે સીડી બનાવવી છે?”
કક્કુ કંઈ બોલ્યો નહીં. બસ, ફરીથી ચડવા લાગ્યો. – ‘ચડ… ચડ… ચડપ’
એટલામાં ઘરમાં એક નાનું પતંગિયું આવી ગયું અને બોલ્યું, “કક્કુ, તું વારંવાર ઉપર ચડે છે અને નીચે પડે છે. તને ચક્કર નથી આવતાં?” પતંગિયાએ પૂછ્યું.
કક્કુ બોલ્યો, “મારે ઊંચે જાળું બનાવવું છે. ત્યાં જીવડાં આવશે અને મને ખાવાનું મળશે!”
પતંગિયું હસીને બોલ્યું, “પણ ભાઈ, ખાવાનું મેળવવા માટે પહેલાં ઉપર તો પહોંચ!”
કક્કુએ કહ્યું, “હું એ જ તો પ્રયત્ન કરું છું!”
આ વખતે કક્કુએ ઉતાવળ ન કરી. તેણે દીવાલને ધ્યાનથી જોઈ. પછી ધીમે ધીમે એક પગ આગળ મૂક્યો, બીજો પગ મજબૂત રીતે ગોઠવ્યો અને આગળ વધ્યો. – ‘ચડ… ચડ… ચડપ’
થોડું ઉપર…
હજુ થોડું ઉપર…
અને આખરે…
કકક પહોંચી ગયો ઊંચા ખૂણામાં!
“હુરરરરે! હું પહોંચી ગયો! હું પહોંચી ગયો!” તે ખુશીથી નાચવા લાગ્યો.
હવે કક્કુએ પોતાનો રેશમી તાંતણો કાઢ્યો. એક બાજુ બાંધ્યો, બીજી બાજુ બાંધ્યો. પછી ગોળ ગોળ ફરવા લાગ્યો.
“ગોળ-ગોળ ફરતો જાઉં,
ઝીણો તાંતણો વણતો જાઉં,
મારા ઘરનું જાળું બનાવતો જાઉં!”
થોડી જ વારમાં સુંદર જાળું તૈયાર થઈ ગયું. બીજા દિવસે એક નાનકડી માખી જાળાની નજીક આવી. કક્કુની આંખો ચમકી ઊઠી. – “અરે વાહ! મારી મહેનત રંગ લાવી!”
પણ માખી જાળામાં ફસાય એ પહેલાં જ ઊડી ગઈ.
કક્કુ બોલ્યો, “અરે! આ માખી તો આવીને ગઈ! લાગે છે મને ચીડવીને ગઈ!”
પછી એક નાનકડું મચ્છર જાળાની નજીક આવ્યું. કક્કુ સાવધાન થઈ ગયો. આ વખતે તેણે ધીરજ રાખી. આખરે મચ્છર જાળામાં ફસાયું. કક્કુને ખાવાનું મળ્યું અને તે ખુશ થઈ ગયો.
કીડી બોલી, “કક્કુજી, આજે તો તમને પાર્ટી મળી પાર્ટી!”
કક્કુ હસીને બોલ્યો, “હા! પણ પહેલાં હું કેટલી વાર પડ્‌યો એ તો તું ભૂલી જ ગઈ!”
બધાં ખડખડાટ હસી પડ્‌યાં.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭