ગિફ્ટ સિટી આ નવરાત્રિમાં ‘ગિફ્ટ ગરબા’ સાથે ખેલૈયાઓને આવકારવા માટે સજ્જ છે. ૧૧થી ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ગિફ્ટ સિટી ક્લબ નજીક આવેલા ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે નવ રાત સુધી ચાલનારા આ ઉત્સવમાં ગરબા, લાઇવ મ્યુઝિક, કળા સાથેનો અનોખો સંગમ જોવા મળશે. આ ઉજવણીમાં ગિફ્ટ સિટીના રહેવાસીઓ, વ્યવસાયિકો, પરિવારો અને મુલાકાતીઓ નવ સાંજ સુધી સંગીત, સંસ્કૃતિ અને સામુદાયિક ઉત્સવનો આનંદ માણી શકશે.
નવે નવ રાતની અલગ-અલગ થીમ હશે અને તે મુજબ સાંજના માહોલને અનુરૂપ સંગીત, રોશની અને સજાવટમાં પણ ફેરફાર કરવામાં આવશે. ૧૧ ઓક્ટોબરે ‘શક્તિ’ થીમ સાથે હિમાલી વ્યાસ નાયકના સંગીત સાથે ઉજવણીનો પ્રારંભ થશે. ત્યારબાદ ૧૨ ઓક્ટોબરે ‘અનુભૂતિ’ થીમ હેઠળ મીત જૈન રજૂઆત કરશે.
૧૩ અને ૧૪ ઓક્ટોબરે ત્રીજી અને ચોથી રાતે ‘રંગ અને રાગ’ થીમ હેઠળ ઓસમાણ મીર પર્ફોર્મ કરશે. ૧૫ અને ૧૬ ઓક્ટોબરે ‘આનંદ અને ભક્તિ’ થીમ સાથે સાયલી કાંબલે મંચ સંભાળશે. ત્યારબાદ ૧૭ ઓક્ટોબરે ‘પરંપરા’ થીમ હેઠળ પ્રહર વોરા રજૂઆત કરશે. ૧૮ ઓક્ટોબરે ‘ઉત્સવ’ થીમ સાથે પ્રિયા સરૈયા પર્ફોર્મ કરશે, જ્યારે ૧૯ ઓક્ટોબરે ‘વિશ્વ’ થીમ હેઠળ પ્રિયા સરૈયા અને લાઇવ બેન્ડની રજૂઆત સાથે નવરાત્રિની ઉજવણીનું સમાપન થશે.
ગરબા અને લાઇવ પર્ફોર્મન્સીસ ઉપરાંત, ગિફ્ટ ગરબા ખાતે બાળકો માટે કિડ્સ ગરબા ઝોન, આર્ટ કોર્નર, ફૂડ ઝોન, એઆઈ ફોટોબૂથ અને ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન સહિત અનેક આકર્ષણો ઉપલબ્ધ રહેશે. આ ખાસ આયોજનથી ખેલૈયાઓને અનોખો અનુભવ મળશે.
પરંપરાગત ગરબા, આધુનિક સંગીત, ભોજન, કળા અને ઇન્ટરેકટીવ અનુભવોના સંગમ સાથે ગિફ્ટ ગરબાનો હેતુ ગિફ્ટ સિટીમાં વાઇબ્રન્ટ સામાજિક માહોલ ઊભો કરવાનો છે. આ આયોજન બિઝનેસ ડિસ્ટ્રીક્ટના રોજિંદા જીવનમાં સાંસ્કૃતિક અને સામુદાયિક રંગ ઉમેરશે. ગિફ્ટ સિટી બિઝનેસ, લાઇફસ્ટાઇલ અને સામુદાયિક જીવનને એકસાથે જોડતી જીવંત ઇકોસિસ્ટમ તરીકે સતત વિકસિત થઈ રહી છે, ત્યારે ગિફ્ટ ગરબા ૨૦૨૬ વર્કપ્લેસથી આગળ વધીને અર્થપૂર્ણ અનુભવો સર્જવાના તેના વિઝનને દર્શાવે છે.
મોટા પાયે સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને ઉજવણીને એકસાથે લાવીને આ આયોજન નવરાત્રિ માટેનું એક વિશિષ્ટ સ્થળ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ ઉત્સવ લોકો વચ્ચે જોડાણ વધારશે, સામુદાયિક સંબંધોને વધુ મજબૂત બનાવશે અને ગિફ્ટ સિટીને એવી ગતિશીલ જગ્યા તરીકે રજૂ કરશે, જ્યાં પરંપરા અને ભવિષ્યનો સુંદર સમન્વય જોવા મળે છે.







































