ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદેશ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ અમરેલી કલેક્ટર કચેરી સામે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજી કલેક્ટર મારફત રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા તથા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચૂંટણી પંચ અને સરકાર સામે આક્ષેપો કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયામાં જીંઇની કામગીરી દરમિયાન દેશના ૧૫ કરોડથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી મતાધિકારથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયામાં મનસ્વી કામગીરી કરનાર જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં જીંઇની કામગીરી દરમિયાન ફોર્મ નંબર ૬માં ખોટી વિગતો ભરવામાં આવી હોવાના આક્ષેપની પણ તપાસની માંગ કરાઈ હતી. યોગ્ય અને સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન અને ગામ બંધ જેવા કાર્યક્રમો કરવાની ચીમકી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખો સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


































