ઉના તાલુકાના ઉટવાળા ગામે માલણ નદીના પટમાંથી કથિત ગેરકાયદે રેતી ઉપાડવાના આક્ષેપથી ચકચાર મચી છે. ગામના ભૂપતભાઈ ઉકાભાઈ ગોહિલે મામલતદારને લેખિત અરજી કરી છેલ્લા દોઢ વર્ષથી રેતી ઉપાડાતી હોવાનો આક્ષેપ કર્યો છે. અરજી મુજબ, કેટલાક શખ્સો ટ્રેક્ટર અને જેસીબી મારફતે રેતી ઉપાડી નદી નજીકની રે.સ.નં. ૯ની જમીનમાં ઠાલવતા હોવાનો દાવો કરાયો છે.
ઉપરાંત માલણ નદી પરના બે ચેકડેમ તોડી નાખવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે, જેના કારણે પાણી સંગ્રહ અને ખેડૂતોના હિતને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અરજદારે અગાઉ મામલતદાર કચેરી, જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનિજ વિભાગમાં રજૂઆત તેમજ ૧૧૨ નંબર પર જાણ કરવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે તાત્કાલિક સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.







































