ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના મૃત્યુના આરોપી રાહુલ રાજ સિંહને બોમ્બે હાઈકોર્ટે રાહત આપી છે. ટીવી સિરિયલ બાલિકા વધુમાં આનંદીનું પાત્ર ભજવીને પ્રત્યુષા ખ્યાતિ પામી હતી. જસ્ટિસ શિવકુમાર દિગેની બેન્ચે ૧ એપ્રિલ, ૨૦૧૬ ના રોજ પ્રત્યુષા અને રાહુલ રાજ વચ્ચે ફાંસી લગાવતા પહેલા થયેલી છેલ્લી વાતચીતના આધારે આ ચુકાદો આપ્યો હતો.આ કેસ લગભગ ૧૦ વર્ષ જૂનો છે. ૨૪ વર્ષીય પ્રત્યુષા તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના તત્કાલીન બોયફ્રેન્ડ અને લિવ-ઇન પાર્ટનર, અભિનેતા-નિર્માતા રાહુલ રાજ સિંહ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રત્યુષાના ગળા પર નિશાન પણ જાવા મળ્યા.
પ્રત્યુષાના માતાપિતાએ રાહુલ પર શારીરિક, માનસિક અને આર્થિક શોષણનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલના ત્રાસને કારણે પ્રત્યુષાએ આ આત્યંતિક પગલું ભર્યું. ત્યારબાદ, રાહુલ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી, હુમલો અને ગુનાહિત ધાકધમકીનો આરોપ લગાવીને એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. દિંડોશી સેશન્સ કોર્ટે રાહુલની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી, અને તેની સામે આરોપો ઘડવાની પ્રક્રિયા આગળ વધવાની હતી. ત્યારબાદ રાહુલે બોમ્બે હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો, જ્યાં તેને હવે રાહત મળી છે અને તેને કેસમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.
રાહુલનું પ્રતિનિધિત્વ કરતા આબાદ પોંડા અને શ્રેયાંશ મીઠારેએ દલીલ કરી હતી કે પ્રત્યુષા સાથેની તેની છેલ્લી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે રાહુલ તેને આવું પગલું ભરવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વકીલોના મતે, રાહુલ તેને મળવા જઈ રહ્યો હતો, અને વાતચીત દરમિયાન, પ્રત્યુષાએ તેની પરિસ્થિતિ માટે તેના માતાપિતા સહિત અન્ય લોકોને દોષી ઠેરવ્યા. આ હકીકતોને ધ્યાનમાં લેતા, હાઈકોર્ટે રાહુલ રાજ સિંહને કેસમાંથી મુક્ત કરી દીધો. જા કે, ૨૦૨૧ ની શરૂઆતમાં, સમાચાર આવ્યા હતા કે પ્રત્યુષા બેનર્જીના માતાપિતાને એક જ રૂમમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. અભિનેત્રીના મૃત્યુ પછી, તેની પાસે કોઈ પૈસા બચ્યા નથી.















































