મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આંખની હોસ્પિટલ વિસ્તારના આંગણવાડી કેન્દ્ર કોડ નં. ૪૩ ખાતે ‘આંગણ ઉત્સવ’ યોજાયો હતો. કાર્યક્રમમાં વોર્ડ નં. ૫ના સદસ્ય જયશ્રીબેન ભરાડ સહિત મહાનુભાવો, સુપરવાઈઝર યાજ્ઞિકભાઈ વ્યાસ, આંગણવાડી કાર્યકર કાજલબેન પંડ્યા, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ કંકુ-ચોખાથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. મહેમાનોએ આંગણવાડીની શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી બાળકોને પૌષ્ટિક આહાર આપવા તથા મોબાઈલથી દૂર રાખવા માર્ગદર્શન આપ્યું હતું. અંતે બાળકોએ રંગપૂરણી પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આભારવિધિ કાજલબેન પંડ્યાએ કરી હતી.





































