લાઠીના આંબરડી ગામે રહેતા રત્ન કલાકારને મકાન બનાવવા માટે વ્યાજે રૂપિયા લેવાનું ભારે પડ્‌યું હતું. રૂપિયા આપવાના બંધ કરતાં જાનથી મારવાની ધમકી અપાઈ હતી. બનાવ અંગે તુલસીભાઈ કરશનભાઈ સોરઠીયા (ઉ.વ.૪૨)એ ત્રિકમભાઈ કાળુભાઈ મજેઠીયા તથા ઘનશ્યામભાઈ ટીંબડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને મકાન બનાવવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી ત્રીકમભાઈ મજેઠીયાને વાત કરતાં તેમણે ઘનશ્યામભાઈ ટીંબડીયાને બોલાવી વ્યાજ વટાવનાં વગર લાયસન્સે રૂ.૮૦,૦૦૦ ૧૦ ટકા લેખે મહિનાના ઉંચા વ્યાજદરે આપ્યા હતા. જેમાંથી ત્રીકમભાઈએ રૂ.૫૦૦૦ દલાલી તરીકે તેમની પાસેથી કપાત કરી લઇ, તેમને રૂ.૭૫,૦૦૦ આપ્યા હતા. બન્ને આરોપીઓ તેમની પાસેથી દર મહિનાની એકથી પાંચ તારીખમાં રૂબરૂમાં વ્યાજનાં રૂ.૮,૦૦૦ રોકડા, આશરે ૧૨ મહિના સુધીનું રૂ.૯૮,૦૦૦ વ્યાજ લીધું હતું. તેઓ ક્યારેક વ્યાજ ટાઇમસર નહી આપતા ૨-૨ હજાર વધારાનું વ્યાજ મળી કુલ એક લાખ રૂપિયા વ્યાજ લીધું હતું. તેમણે છેલ્લા ચાર મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરતાં તેમને ગાળો આપી, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી એ ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.