ખાંભા તાલુકાના ખેડૂતો મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી તેમજ કુવા અને બોરના પાણીથી ખેતી કરે છે. ચોમાસાના વરસાદ બાદ દિવાળી સુધી જ મોટા ભાગના કુવા અને બોરમાં પાણી રહેતું હોવાથી રવિ પાકના અંતિમ પિયત સમયે પાણીની અછત સર્જાય છે. ઘઉં, દિવેલા, ડુંગળી, રાયડો, તુવેર અને ચણાના પાકને છેલ્લું પિયત ન મળતાં ખેડૂતોને મુશ્કેલી પડે છે. દેદુમલ નદીમાં સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તો આશરે ૨૫ ગામોના કુવા અને બોરના તળ ઊંચા આવી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે. સુરજવડી, લાપાળીયા, ઇંગોરાળા, સમઢીયાળા સહિતના ગામોના ખેડૂતોને તેનો લાભ મળી શકે છે. આ અંગે રાજ્યના કૃષિ મંત્રી, ધારાસભ્ય, સાંસદ અને ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરાને સામાજિક કાર્યકર ભાનુભાઈ કોઠીયા દ્વારા રજૂઆત કરાઈ છે.