આ દુનિયામાં કુદરતનો ન્યાય ખરેખર અપરંપાર છે, પણ આપણા જમાનાની ટેલિકોમ કંપનીઓનો ન્યાય એનાથીયે બે ડગલાં આગળ છે! કંપનીઓ આપણી આર્થિક સ્થિતિ આપણી કરતાં વધુ સારી રીતે સમજે છે. એમને પાકી ખબર છે કે જે માણસ સવાર-સવારમાં દેશી લોટો લઈને ખેતરના શેઢે બેઠો હોય કે બપોરે ઝાડવા હેઠે ઢેફાં ભાંગતો હોય, એની પાસેથી વધારાના ચાર આનાય પડાવી શકાય એમ નથી. એટલે જ એવા ડાઉન-ટુ-અર્થ લોકો માટે કંપનીઓએ ‘અનલિમિટેડ પ્રીપેડ’ નામનું જીવદયા અસ્ત્ર બજારમાં મૂક્યું છે. બીજી બાજુ, જેમના પગ ભોંય પર નથી ટકતા અને જેઓ સીધા સાત સમંદર પાર ઊડી જાય છે, કંપનીઓ એમના માટે ‘રોમિંગ’ નામનું એવું મુંડામણ યંત્ર ગોઠવીને બેઠી છે કે વિદેશ જતાં જ એમનું લક્ષ્મી તત્વ સેકન્ડોના હિસાબે ગાયબ થવા માંડે છે! આ જ્ઞાન અમને ગઈકાલે જ લાધ્યું જ્યારે અમે અમારા એક મિત્રને નવા રતનપરથી અચાનક ફોન જોડ્યો.
બન્યું એવું કે એ મિત્ર આમ તો લોકલ છે, પણ જ્યારથી વિદેશ ગયો છે ત્યારથી એના સોશિયલ મીડિયા પર એફિલ ટાવર અને લંડન બ્રિજવાળા સ્ટેટસનો પૂર આવ્યો છે. ફોન લાગતા જ એણે ઉતાવળા અવાજે કહ્યું, ‘ભાઈ, હું અત્યારે વિદેશમાં છું અને અહીં ઇનકમિંગ રોમિંગ ચાર્જ બહુ લાગે છે, એટલે વાત ટૂંકાવી દેજે!’ અમે તો એક જ મિનિટમાં ફોન મૂકી દીધો કારણ કે એ માણસ ડાઉન-ટુ-અર્થ અને વ્યવહારુ હતો, એણે સાચેસાચી પરિસ્થિતિ કહી દીધી. પણ આ ઘટનાએ અમારા મગજમાં રહેલા વેદાંતિક વાયર શોર્ટ-સર્કિટ કરી નાખ્યા. અમને સમજાયું કે જે લોકો ખરેખર હવાબાજ છે, જેઓ વિદેશ જઈને હવામાં ઉડતા હોય છે અને પરાણે વટ પાડતા હોય છે, એવા લોકો પોતાના ખિસ્સામાંથી લક્ષ્મીજી ધોવાઈ રહ્યા હોવાની કબૂલાત ક્યારેય જીવતેજીવ નહીં કરે! બસ, ત્યારથી અમને એવા અહંકારીઓ પર ‘સૂક્ષ્મ દંડ’ ફટકારવાનો એક બ્રહ્માસ્ત્ર જેવો આઈડિયા આવી ગયો.
ધારો કે તમારી સોસાયટીનો કોઈ ભાઈ કે ઓફિસનો કોઈ બોસ જે રોજેરોજ તમને નાની-નાની વાતોમાં નીચો દેખાડતો હોય, એ અચાનક અમેરિકા કે યુરોપના પ્રવાસે જાય. એ ત્યાં જઈને એરપોર્ટ પરથી ‘ફીલિંગ એક્સાઇટેડ’ નું સ્ટેટસ મૂકે એટલે સમજી જવાનું કે શિકાર જાળામાં ફસાઈ ગયો છે. હવે આપણે કશું જ કરવાનું નથી. બપોરે નિરાંતે ખેતરમાં ખાટલો ઢાળીને બેસવાનું અને આપણા મફતિયા ‘અનલિમિટેડ’ પ્લાનમાંથી એના વીઆઈપી નંબર પર ઘંટડી દબાવવાની. આપણો તો લોકલ કોલ જ ગણાશે, એટલે આપણું બેલેન્સ તો ટસનું મસ નહીં થાય, પણ ત્યાં વિદેશના નેટવર્કમાં જેવો એ ફોન ઉપાડશે કે તરત એના ખાતામાંથી પ્રતિ મિનિટ સો-સો રૂપિયાની આહુતિ આપવાનું કોસ્મિક યજ્ઞ શરૂ થઈ જશે!
ફોન ઉપડતા જ પેલો વટમાં અંગ્રેજી મિક્સ ગુજરાતીમાં કહેશે, ‘યા બ્રો, આઈ એમ ઇન ન્યૂયોર્ક રાઈટ નાઉ!’ આપણે અહીંથી એકદમ દેશી લહેકામાં વાત શરૂ કરવાની, ‘હા ભાઈ, ન્યૂયોર્ક તો ઠીક, પણ તને ખબર છે? ગઈકાલે આપણા ગામના સરપંચના કૂતરાએ ચાર ગલુડિયાં આપ્યા છે! ચારેયના કલર મસ્ત છે, તું વિદેશ ગયો એટલે તને આ અગત્યના સમાચાર આપવા ફોન કર્યો!’ પેલા ભાઈના કાનમાં એક બાજુ ગલુડિયાંની વાતો સંભળાતી હશે અને બીજી બાજુ એના મગજમાં મીટર ફરતું હશે કે ‘લે બેટા, બસ્સો રૂપિયા ગયા!’ છતાં એ વટનો માર્યો એમ નહીં કહી શકે કે ‘ભાઈ ફોન મૂક, મારું દેવાળું નીકળી જશે.’ એ હવામાં ઉડવા માટે ગર્વથી કહેશે, ‘ઓહ નાઈસ, વેરી ગુડ ન્યૂઝ!’ અને આપણે વાતને હજુ લંબાવવાની, ‘અરે ઊભો રહે ભાઈ, હજી તો મેં તને મોટા સમાચાર આપ્યા જ નથી! પેલો કાનો નથી? એની ભેંસ કાલે આખો દિવસ કૂવામાં પડી રહી’તી, માંડ માંડ જેસીબી લાવીને બહાર કાઢી!’ હવે પેલાના હૃદયના ધબકારા વધી ગયા હશે, પણ એનું અહંકાર એને ફોન કાપવા નહીં દે. આને જ વેદાંતમાં ‘માયાનું બંધન’ અને આપણી ભાષામાં ‘ઇન્ટરનેશનલ મુંડામણ’ કહેવાય છે.
આ આધ્યાત્મિક સર્જિકલ સ્ટ્રાઈકની મજા જ એ છે કે સામેવાળાને લોહી નીકળ્યા વગર અંદરખાને પરસેવો છૂટી જાય છે. જે લોકો ભારતમાં હોય ત્યારે આપણી ચાની કિટલી પર ઉધાર પીતા હોય અને વિદેશ જઈને આપણને ઓળખવાનો નનૈયો ભણતા હોય, એમના અહંકારને ઓગાળવા માટે લાકડી ઉપાડવાની કે ઝઘડો કરવાની કોઈ જ જરૂર નથી. બસ, એ જ્યારે એફિલ ટાવર નીચે ઊભા રહીને લાઈવ વીડિયો કરતા હોય ત્યારે આપણે અહીંથી વોઈસ કોલ જોડીને અડધો કલાક સુખ-દુઃખની વાતો માંડવાની. આપણે તો ફક્ત વાતો જ ચોડવાની છે, પણ પેલો લંડનના ઠંડા પવનમાં પણ ખિસ્સું ખાલી થવાના ડરે ધ્રૂજવા માંડશે. એનું અંદરનું લક્ષ્મી તત્વ જેમ-જેમ ગાયબ થશે, તેમ-તેમ એ હવામાંથી સીધો જમીન પર આવવા મજબૂર થઈ જશે.
માટે, હે ભારતભૂમિના અનલિમિટેડ પ્રીપેડ ગ્રાહકો! જ્યારે પણ કોઈ હવાબાજ વિદેશ જઈને ફાંકા-ફોજદારી કરે, ત્યારે એનાથી અંજાઈ જવાની જરૂર નથી.
આપણી પાસે જે ક્રેડિટ છે એ આપણી અખંડ શાંતિ છે અને એમના જે ચાર્જિસ છે એ એમની અશાંતિ છે. કુદરતે અમીરો પાસે પૈસા રાખ્યા હશે, પણ ટેલિકોમ કંપનીઓએ આપણને ‘મફત વાત કરવાનો સોર્સ કોડ’ આપ્યો છે. ખેતરમાં બેસીને ઢેફાં ભાંગતા ભાંગતા વિદેશમાં રોમિંગનું બિલ ફાડવાની આ ટેકનિકલ લીલા ભલભલા જ્ઞાનીઓને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. હવેથી કોઈ વટ મારે તો સીધો એનો રોમિંગનો દંડ નક્કી કરો અને મનમાં બોલો— અહં બ્રહ્માસ્મિ, તારું બિલ તો ફાટવાનું જ છે! naranbaraiya277@gmail.com











































