ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થશે. શરૂઆતની મેચ પહેલા, વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય કોચ ડેરેન સેમીએ જણાવ્યું હતું કે આ શ્રેણી તેમની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે વનડે ક્રિકેટમાં ટીમની પ્રગતિ અને તેમાં કેટલો સુધારો થયો છે તે જાહેર કરશે. વેસ્ટ ઈન્ડિઝે ૨૦ વર્ષથી વધુ સમયથી ભારતમાં એક પણ વનડે શ્રેણી જીતી નથી, તેથી આ મેચ ટીમ માટે એક મહત્વપૂર્ણ પડકાર અને આ લાંબી રાહનો અંત લાવવાની એક મહાન તક રજૂ કરે છે.
તિરુવનંતપુરમમાં રવિવારના પ્રથમ મેચ પહેલા પત્રકારો સાથે વાત કરતા, ડેરેન સેમીએ કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝે ૨૪ વર્ષમાં ભારતમાં એક પણ વનડે શ્રેણી જીતી નથી. તેથી, તેમની ટીમ પાસે પોતાને ચકાસવાની અને વનડે ક્રિકેટમાં તેઓ ક્યાં છે તે શોધવાની સારી તક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેલાડીઓ માટે ભારત સામે વધુ સારું પ્રદર્શન કરવાની અને આ ૨૪ વર્ષની રાહનો અંત લાવવા અને શ્રેણી જીતવાની આ એક શ્રેષ્ઠ તક છે.
એ નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૨૦૨૭ વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થઈ નથી, તેથી તેમને આવતા વર્ષની શરૂઆતમાં ક્વોલિફાયર રમવા પડશે. ડેરેન સેમી માને છે કે ભારત સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણી તેમની ટીમની તૈયારી માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જા તેઓ આઇસીસી મર્યાદિત ઓવરોની મોટી ટુર્નામેન્ટ જીતવા માંગે છે, તો તેમણે ભારતને હરાવવું જ પડશે. તેથી, ભારતને તેમના જ મેદાનમાં હરાવવાથી વેસ્ટ ઈન્ડિઝને તેમની ક્ષમતાઓ અને તૈયારીઓનો સાચો અહેસાસ થશે.
ડેરેન સેમીએ વધુમાં કહ્યું કે જા તેઓ સારું પ્રદર્શન કરે છે અને ભારતમાં જીત મેળવે છે, તો તે તેમને તેમની ટીમની સાચી તાકાત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની ક્ષમતાની ઝલક આપશે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં ક્વોલિફાયર પહેલા તેમનો પ્રાથમિક ધ્યેય તેમની ટીમમાં સતત સુધારો કરવાનો છે જેથી તેઓ ક્વોલિફાયર જીતી શકે અને ૨૦૨૭ વર્લ્ડ કપમાં સ્થાન મેળવી શકે.