સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)એ માદક પદાર્થોની હેરફેર સામે કાર્યવાહી કરતાં બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી ૮.૯૧૩ કિલોગ્રામ ગાંજા જપ્ત કર્યો છે. કસ્ટમ્સની તપાસ દરમિયાન મુસાફરના ચેક-ઇન બેગેજમાંથી કપડાંની વચ્ચે છુપાવેલા ૧૪ એરટાઇટ પેકેટ મળી આવ્યા હતા. આ મામલે સંબંધિત મુસાફરની ધરપકડ કરવામાં આવી છે અને જપ્ત કરાયેલા માદક પદાર્થ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, બેંગકોકથી અમદાવાદ આવેલી આંતરરાષ્ટÙીય ફ્લાઇટના એક મુસાફર પર કસ્ટમ્સની એઆઇયુ ટીમને શંકા ગઈ હતી. ત્યારબાદ મુસાફરને અટકાવી તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના ટ્રોલી બેગમાંથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતાં તેમાં ગાંજા હોવાનું સામે આવ્યું હતું.
કસ્ટમ્સની તપાસમાં ગાંજાનો જથ્થો સામાન્ય રીતે નજરે ન પડે તે રીતે બેગમાં કપડાંની વચ્ચે છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મુસાફરના સામાનમાંથી કુલ ૧૪ એરટાઇટ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટોમાં રહેલા પદાર્થની તપાસ કર્યા બાદ તે ગાંજા હોવાનું કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું. તમામ પેકેટમાંથી મળી આવેલા જથ્થાનું કુલ વજન ૮.૯૧૩ કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે.કસ્ટમ્સ વિભાગે જપ્ત કરાયેલા ગાંજાના જથ્થા સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુસાફરની અટકાયત બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે જરૂરી દસ્તાવેજી કાર્યવાહી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે બેંગકોકથી આ જથ્થો મુસાફરને કોણે આપ્યો હતો અને અમદાવાદમાં તેની ડિલિવરી કોને કરવાની હતી. કસ્ટમ્સ વિભાગ દ્વારા મુસાફરની પૂછપરછ કરીને ડ્રગ્સની હેરફેર સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ કેસમાં માત્ર મુસાફર સુધી તપાસ સીમિત ન રાખીને ગાંજાના આંતરરાષ્ટ્રીય સ્તરના સપ્લાય અને સ્થાનિક નેટવર્ક અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. બેંગકોકથી અમદાવાદ સુધી આ જથ્થો કેવી રીતે પહોંચ્યો, તેને મોકલનાર કોણ છે અને અમદાવાદમાં તેનો સંભવિત સપ્લાયર અથવા લેનાર કોણ હતો તે સહિતના મુદ્દાઓ તપાસનો ભાગ છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા આગળની તપાસ દરમિયાન આ કેસમાં વધુ વિગતો સામે આવી શકે છે.