અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ફતેવાડી કેનાલમાંથી ૮ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બાવળાના ઢેઢાળ ગામ નજીક કેનાલના પાણીમાં બાળકીનો મૃતદેહ તણાતો જાવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. ત્યારબાદ ગ્રામજનોએ ભારે જહેમત કરીને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.પ્રાથમિક માહિતી પ્રમાણે, ઢેઢાળ ગામ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલમાં બાળકીનો મૃતદેહ જાવા મળ્યો હતો. સ્થાનિકોએ તરત જ ઘટનાની જાણ પોલીસ અને સંબંધિત તંત્રને કરી હતી. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીની ઓળખ શારદા કન્યા ડાવર તરીકે થઈ છે. તેની ઉંમર આશરે ૮ વર્ષની હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ બાળકી લોદરિયાલ ગામ નજીક કેનાલમાં પડી ગઈ હોવાની માહિતી પોલીસને મળી છે.
મળતી માહિતી પ્રમાણે બાળકીનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર હાલ રજાડા વિસ્તારમાં ખાનગી નોકરી કરીને જીવન ગુજારે છે અને લોદરિયાલ ગામમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટના બાદ બાળકીના મૃતદેહને બાવળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તબીબો દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે.











































