લીલીયા શહેરમાં મુખ્ય માર્ગોથી લઈને શેરી-ગલીઓના રોડ-રસ્તાઓની બિસ્માર હાલતને લઈને લોકોમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં કાદવ, કીચડ અને મોટા ખાડાઓના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે ઈમરાન પઠાણે અખબારી યાદીમાં જણાવ્યું છે કે શહેર જાણે ધણી-ધોરી વગરનું બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક સત્તાધીશો લોકોની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે નળ સે જલ યોજના, ભૂગર્ભ ગટર રીનોવેશન સહિતની કામગીરી દરમિયાન સરકારના ધારા-ધોરણોનું પાલન થતું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આડેધડ ખોદકામને કારણે રોડ-રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ બની છે. સરકારી નાણાંના દુરુપયોગની પણ તેમણે આશંકા વ્યક્ત કરી છે. ઉચ્ચ કક્ષાએથી નળ સે જલ યોજના, ભૂગર્ભ ગટર રીનોવેશન અને ખોદાયેલા રોડ-રસ્તા સહિતના કામોની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.