ઉત્તરપૂર્વ આફ્રીકી દેશ સૂડાનના વેસ્ટ કોર્ડોફોનમાં એક મોટી દુર્ઘટના ઘટી. અલ નુહુદ શહેરના ઉત્તરમાં એક વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડી. જેના કારણે ૬૦ લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ગુમ થયા હોવાનું કહેવાય છે. સૂડાન આફ્રીકામાં સોનું પેદા કરનારા સૌથી મોટા દેશોની યાદીમાં ટોપ પર છે. અહીં આ અગાઉ પણ અનેક દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ બુધવારે ૧૬ સપ્ટેમ્બરના રોજ ત્રણ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે સૂડાનના વેસ્ટ કોર્ડોફોનમાં અલ નુહુદ શહેર પાસે રવિવારે સોનાની ખાણ ધસી પડી. અત્યાર સુધીમાં ૬૦ મૃતદેહો મળી આવ્યા છે. સૂડાનમાં મોટાભાગે સોનું ખતરનાક પરંપરાગત ખનન પદ્ધતિથી કાઢવામાં આવે છે અને ત્યારબાદ દેશમાંથી ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે. તેની તસ્કરી પણ થાય છે. સોનું કાઢવાની પરંપરાગત રીત ખુબ ખતરનાક પણ છે. જેના કારણે દુર્ઘટનાની સંભાવના વધુ રહે છે. અત્રે જણાવવાનું કે યુદ્ધ અને તબાહીનો માર ઝેલી રહેલા સૂડાનમા લોકો સુરક્ષા માટેના માપદંડોને બાજુમાં રાખીને ખાણોમાં કામ કરતા હોય છે. સૂડાનની વોર ઈકોનોમી હાલના સમયમાં સંપૂર્ણ રીતે સોનાની તસ્કરી અને આ જીવલેણ ખેલ પર ટકેલી છે. યુનાઈટેડ નેશન્સના વિશેષજ્ઞોની પેનલના એક રિપોર્ટ મુજબ સૂડાનમાંથી કાઢવામાં આતું ૫૦ટકાથી વધુ સોનું સત્તાવાર ચેનલોની જગ્યાએ ગેરકાયદેસર રીતે દેશમાંથી બહાર તસ્કરી થાય છે. આ સોનાની તસ્કરીનો ઉપયોગ ખાસ કરીને યુદ્ધ માટે હથિયારો અને ફંડ ભેગુ કરવા થાય છે. પેરામિલેટ્રી ફોર્સિસ, જેનો દારફૂર અને કોર્ડોફોન જેવા પ્રમુખ સોના ઉત્પાદક વિસ્તારો પર કબજા છે, આ ગેરકાયદેસર રીતે સોનું કાઢીને યુદ્ધ લડી રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં તાનાશાહ ઓમર અલ બશીરના તખ્તાપલટ બાદ આવેલી નાગરિક સરકારે આ ઈન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરવાની કોશિશ કરી હતી પરંતુ ૨૦૨૧માં સૈન્ય તખ્તાપલટ અને ૨૦૨૩માં શરૂ થયેલા યુદ્ધે આ કોશિશોને સંપૂર્ણ રીતે ખમત કરી દીધી.










































