વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષીય પરિણીતાએ સાસરિયાઓ સામે વર્ષોથી માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મહિલાની ફરિયાદ મુજબ લગ્નના શરૂઆતના સમયથી જ પતિ દ્વારા અમદાવાદમાં બંગલો અથવા ફ્લેટ અપાવવાની માગણી કરવામાં આવતી હતી. આ માગણી પૂરી ન થતાં તેને અપમાનિત કરવા, મારઝૂડ કરવા તેમજ ઘરેથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવતી હતી. મહિલાએ સમગ્ર મામલે પતિ, સાસુ-સસરા, નણંદ અને નણંદોઈ સહિત પાંચ લોકો સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ મહિલાના લગ્ન નવેમ્બર ૨૦૧૬માં થયા હતા. લગ્ન બાદ તે અમદાવાદ ખાતે સાસરીમાં રહેવા ગઈ હતી. મહિલાનો આક્ષેપ છે કે સાસુ અને નણંદ તેને પતિથી અલગ રાખતા હતા. બે બેડરૂમના મકાનમાં એક રૂમમાં સાસુ અને બીજા રૂમમાં નણંદ રહેતા હોવાથી તેને પતિ સાથે ડ્રોઇંગ રૂમમાં સૂવાની ફરજ પડતી હતી. સાસુ દ્વારા ઘર પોતાનું હોવાનું કહી મહિલાને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહિલાની ફરિયાદ પ્રમાણે લગ્નના પ્રથમ દિવસથી જ પતિએ તેના પિતા પાસે અમદાવાદમાં સારો બંગલો અથવા ફ્લેટ અપાવવાની માગણી કરી હતી. જાકે, મહિલાના પિતાએ આર્થિક Âસ્થતિને કારણે આવી માગણી પૂરી કરવામાં અસમર્થતા દર્શાવી હતી. ત્યારબાદ પતિ તેના પર ગુસ્સે થતા અને માર મારતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન સમયે મળેલા દાગીના સાસુએ પોતાની પાસે રાખી લીધા હોવાનો પણ મહિલાએ આરોપ લગાવ્યો છે. પિયરમાંથી આપવામાં આવેલી રૂ. ૧.૫૧ લાખની રકમને લઈને પણ ‘તારા બાપે કંઈ આપ્યું નથી’ કહીને મેણાં મારવામાં આવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
મહિલાએ ફરિયાદમાં સાસરી પક્ષના કેટલાક સભ્યો દારૂ, માંસ-મટન, ગુટકા અને તમાકુનું સેવન કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. પોતાને આ પ્રકારની આદતો ન હોવાથી તે વિરોધ કરતી હતી અને તેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હોવાનો આક્ષેપ છે. એપ્રિલ ૨૦૧૭માં પતિ દારૂના નશામાં રાત્રે ઘરે આવ્યા અને ગાળો આપી મહિલાને ઘરની બહાર કાઢી મૂકી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ત્યારબાદ મહિલાએ પોતાના પિતાને ફોન કરતાં તેઓ અમદાવાદ પહોંચ્યા હતા અને બાદમાં મહિલાને વડોદરા ખાતે પિયરમાં મોકલવામાં આવી હતી.લગ્ન બાદ મહિલા નોકરી કરતી હતી. જાકે, ફરિયાદ મુજબ વર્ષ ૨૦૧૮માં પતિએ તેની નોકરી છોડાવી દીધી હતી અને ત્યારથી તેને ઘરકામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. મહિલાનો આક્ષેપ છે કે ગર્ભવતી થયા બાદ પણ સાસરી પક્ષ તરફથી તેને ત્રાસ આપવામાં આવતો રહ્યો હતો.
ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૦માં તે બીજી વખત ગર્ભવતી બની હતી ત્યારે પતિ સહિત સાસરીયાઓએ તેના પર ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં ફરી ગર્ભવતી બન્યા બાદ પતિ તેને અમદાવાદની હોÂસ્પટલમાં લઈ ગયા હતા અને ગર્ભપાતની દવાઓ અપાવી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. ગર્ભપાત કરાવવા માટે તેના પર શારીરિક અને માનસિક દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત ઓગસ્ટ ૨૦૨૫માં પતિએ દારૂના નશામાં સાસુ, નણંદ અને નણંદોઈ સાથે મળીને મારઝૂડ કરી હોવાનો આક્ષેપ છે. આ સમયે મહિલાએ ૧૮૧ અભયમની મદદ લીધી હતી.
મહિલાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી અને કાઉન્સેલિંગ કરાવવામાં આવ્યું હતું. જાકે, કાઉન્સેલિંગ બાદ પણ પતિના વર્તનમાં કોઈ સુધારો ન આવ્યો હોવાનો મહિલાનો દાવો છે. મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સાસરી પક્ષના સભ્યો તેના બંને નાના બાળકોને દારૂ ચખાડવાના બહાને દારૂ પીવડાવતા હતા. તેણે આ બાબતે વિરોધ કરતાં સાસરીયાઓ સાથે ઝઘડો થયો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન સાસરીયાઓએ આદિવાસી સમાજમાં દારૂ પીવાની મનાઈ નથી એવું કહી મહિલાને રાત્રે ઘરની બહાર કાઢી મૂકી હતી.ફરિયાદ મુજબ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પંચની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન પતિએ મહિલાને પોતાની સાથે રાખવાની ઈચ્છા ન હોવાનું અને છૂટાછેડા લેવા માગતા હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ પતિએ મહિલાને ઘરેથી નીકળી જવા કહી બંને બાળકો સાથે પિયરમાં મોકલી દીધી હોવાનો આક્ષેપ છે. ત્યારથી મહિલા પોતાના બંને બાળકો સાથે માતા-પિતાના ઘરે રહે છે.સમગ્ર મામલે મહિલાએ પતિ સહિત સાસુ-સસરા, નણંદ અને નણંદોઈ સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આક્ષેપોની હકીકત અને તેમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.







































