ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સોમનાથ તરફથી ભાવનગર જઈ રહેલી એક ફોર-વ્હીલ કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં રસ્તા પર પલટી મારી ગઈ હતી, જેના પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ દુર્ઘટનામાં કારમાં સવાર ભાવનગરના રહેવાસી ભરતભાઈ ભોળાભાઈ (ઉં.વ. ૩૦), મેહુલભાઈ ગોવિંદભાઈ (ઉં.વ. ૨૯), દીપકભાઈ દામજીભાઈ પરમાર (ઉં.વ.૩૬) અને ઘનશ્યામભાઈ જીવનભાઈ ગોહિલ (ઉં.વ. ૪૨)ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એકની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર ક્ષણિક ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.







































