અમરેલી તાલુકાના લાલાવદર ખાતે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૧૨ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર ૬૬ કે.વી. સબસ્ટેશન તથા રૂ. ૮૦ લાખના ખર્ચે ‘સુવિધા પથ’નું ભૂમિપૂજન કરાયું હતું. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, આ નવું સબસ્ટેશન કાર્યરત થતાં લાલાવદર, સલડી, ગોઢાવદર, દુધાળા (બાઈ) અને કેરિયા-નાગસ સહિત ૬ ગામોના આશરે ૨,૫૦૦ ગ્રાહકોને ગુણવત્તાસભર તથા સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળશે અને લો-વોલ્ટેજની સમસ્યા ઉકેલાશે. આ પ્રોજેક્ટથી હયાત સબસ્ટેશનો પરનો વીજભાર પણ ઘટશે.લાલાવદરના સર્વાંગી વિકાસનો ઉલ્લેખ કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, અહીં રાજ્યકક્ષાનું અત્યાધુનિક રમત-ગમત સંકુલ તૈયાર કરાયું છે તથા ખેલાડીઓ માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે ૨૦૦ની ક્ષમતાવાળી હોસ્ટેલ મંજૂર કરાઈ છે. શાળા, પંચાયત ભવન અને માર્ગો સહિત છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં લાલાવદરને રૂ. ૧૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ મળી છે. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને જેટકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય આશિષભાઈ અકબરી, અગ્રણીઓ મનસુખભાઈ ગાંગડિયા, ચેતનભાઈ ઘાનાણી, નિકુલભાઈ માંડણકા, મધુભાઈ હરખાણી, કાળુભાઈ વાળા, નાથાલાલ સુખડિયા, જેટકો તથા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ અને લાલાવદરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.