અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના નાની કુંકાવાવ ગામે સિંહણના હુમલાની ઘટના સામે આવી છે. લાખાપાદર રોડ પર આવેલી ગોકળભાઈ સિંગાળાની વાડીમાં સોયાબીનના પાકમાં નિંદામણ કરી રહેલા સનિયાભાઈ નામના ખેતમજૂર પર બાજુના કપાસના ખેતરમાંથી અચાનક આવેલી સિંહણે પાછળથી હુમલો કર્યો હતો.સિંહણે મજૂરને જમીન પર પાડી દેતાં તેમણે બૂમાબૂમ કરી હતી. વાડી માલિક ગોકળભાઈ અને આસપાસના લોકોએ હાંકલા-પડકાર કરતાં સિંહણ તથા નજીકમાં રહેલો સિંહ ભાગી છૂટ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સનિયાભાઈને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. અમરેલી પંથકમાં અવારનવાર વન્યપ્રાણીઓના હુમલા વધતાં ખેડૂતો અને મજૂરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ વન વિભાગ પાસે હુમલો કરનાર સિંહણને વહેલી તકે પાંજરે પૂરવા અને આ વિસ્તારોમાં નિયમિત પેટ્રોલીંગ હાથ ધરવાની ઉગ્ર માગ કરી છે.








































