સાવરકુંડલા ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ આશીર્વચન આપતાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરવા તેમજ ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી સત્ય, ધર્મ, કર્તવ્ય અને ભક્તિના ગુણો અપનાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ રાધા-કૃષ્ણ અને ગોપ-ગોપીઓના વેશમાં મનમોહક રાસલીલા રજૂ કરી હતી. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભાવિકો અને વિદ્યાર્થીઓને પ્રસાદનું વિતરણ કરાયું હતું.








































