ખાંભા માર્કેટિંગ યાર્ડમાં આગામી તા. ૯ના રોજ યોજાનારી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પૂર્વે ભાજપની ચાર વેપારી બેઠકો બિનહરીફ જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના પ્રયાસોથી વેપારી પેનલની ચાર બેઠકો બિનહરીફ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટે પણ આ પ્રક્રિયામાં સહયોગ આપ્યો હતો. બિનહરીફ થયેલા સભ્યોમાં બાબાભાઈ ખુમાણ, ઇમરાનભાઈ ડાયાતર, મહમદભાઈ સોલંકી અને યાસીફઅલી હસનાણીનો સમાવેશ થાય છે.
વેપારી પેનલની બિનહરીફ વરણી બાદ હવે ખેડૂત પેનલની ૧૦ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષો દ્વારા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડ પર કબજો મેળવવા માટે ત્રણેય પક્ષના કાર્યકરો દ્વારા પ્રચાર અને બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તા. ૯ના રોજ મતદાન બાદ તા. ૧૦ના રોજ મતગણતરી હાથ ધરાશે.









































