ચોમાસું નબળું રહેતાં અને વરસાદ ખેંચાતાં સામતેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકમાં ‘થ્રિપ્સ’ નામની ચૂસિયા પ્રકારની જીવાતનો ભારે આતંક ફેલાયો છે. આ જીવાતના પ્રકોપના કારણે ઊભા કપાસના પાન સુકાવા લાગ્યા છે, જેનાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કપાસને બચાવવા માટે બજારમાંથી મોંઘી જંતુનાશક દવાઓ લાવીને છંટકાવ કરવા છતાં જીવાત કાબૂમાં ન આવતાં ખેડૂતો લાચાર સ્થિતિમાં મુકાયા છે. દવાઓ પાછળના આંધણથી ખેડૂતો પર આર્થિક બોજ વધી રહ્યો છે. કૃષિ નિષ્ણાતોના મતે થ્રિપ્સ એ સૂકા અને ગરમ વાતાવરણમાં ઝડપથી ફેલાતી જીવાત હોવાથી વરસાદ ખેંચાવાને કારણે તેને અનુકૂળ વાતાવરણ મળ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે કેમિકલ દવાઓ કરતાં જો પંથકમાં એકાદ-બે સારા વરસાદના રાઉન્ડ આવે તો કપાસ પરથી આ જીવાત ધોવાઈ જશે. હાલ સામતેર પંથકના ખેડૂતો મોંઘા બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ માથે પડવાની ભીતિ વચ્ચે પોતાના સુકાતા કપાસને બચાવવા મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.