ઉના તાલુકાના નાંદરખ ગામના ઉત્તરવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે ઘરની ઓસરીમાં સૂતેલા ૭૦ વર્ષના વૃધ્ધ ભૂપતભાઈ ગોહિલ પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહે ભૂપતભાઈને સાથળના ભાગેથી પકડી ફળિયામાં પછાડ્‌યા હતા. જોકે, ભૂપતભાઈએ હિંમત દાખવી હાકલો કરતા સિંહ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વૃધ્ધને તાત્કાલિક સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નાંદરખના વાડી વિસ્તારમાં છેલ્લા છ દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે વાડી વિસ્તારમાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.