રાજકોટમાં PGVCL તથા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો)ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું આજે ૨૯ ઓગસ્ટે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના પેડક રોડ પર આવેલા અટલ બિહારી વાજપાઈ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવી સુવિધાઓ જનતાને સમર્પિત કરવામાં આવી હતી. ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, બેડીનાકા, માધાપર અને મોટામવાની નવી સબ ડિવિઝન ઓફિસોના નિર્માણથી અંદાજે સવા લાખ વીજ ગ્રાહકોને સીધો લાભ મળશે. અગાઉ બેડીનાકા સબ ડિવિઝન કચેરી પોપટપરા નાળા પાસે કાર્યરત હતી, જ્યાં ૩૯,૪૦૦ ગ્રાહકો હતા. માધાપર સબ ડિવિઝન કચેરી જયુબેલી શાક માર્કેટ પાસે હતી અને તેના હેઠળ ૪૪,૫૦૦ ગ્રાહકો હતા. હવે બેડીનાકા અને માધાપરની કચેરીઓ માધાપર ચોકડી પાસેના નવા બિલ્ડિંગમાં કાર્યરત કરવામાં આવતા વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નોનું એક જ સ્થળેથી વધુ સરળતાથી અને ઝડપથી નિરાકરણ આવી શકશે.









































