ખાંભા તાલુકાના ઇંગોરાળા ભાડ ગામે પ્રેમસંબંધમાં નિરાશા મળતાં એક યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવતીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગત અનુસાર, ઇંગોરાળા ભાડ ગામે રહેતી યુવતીને ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. જોકે, તાજેતરમાં પ્રેમીની સગાઈ અન્ય યુવતી સાથે નક્કી થઈ જતાં યુવતીને મનમાં ભારે લાગી આવ્યું હતું અને તે આઘાતમાં સરી પડી હતી. આ બાબતનું માઠું લાગતાં તેણે આવેશમાં આવીને પોતાના ઘરે કપાસના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. દવા પીવાને કારણે તબિયત લથડતાં પરિવારે તાત્કાલિક તેણીને સારવાર માટે હોસ્પિટલે  ખસેડી હતી. આ બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ધાંધળ વધુ તપાસ ચલાવી રહ્યા છે.