લાઠીમાં ૧૫ ઓગષ્ટના રોજ ૮૦મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી નિમિત્તે બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, સર્જનાત્મકતા, ઊર્જા સંરક્ષણ તથા વીજ સલામતી અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે PGVCL લાઠી દ્વારા કર્મચારીઓના બાળકો માટે વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૧૫ બાળકોએ ભાગ લીધો હતો. ધોરણ ૧થી ૯ સુધી અભ્યાસ કરતા તમામ નાનાં-મોટાં બાળકોએ પોતાની કલ્પનાને કાગળ પર રંગો દ્વારા જીવંત કરી હતી. દરેક બાળકના ચિત્રમાં વિષયને પોતાની આગવી રીતે રજૂ કરવાનો પ્રયાસ જોવા મળ્યો હતો. ચિત્રોના નિષ્પક્ષ મૂલ્યાંકન માટે ત્રણ સભ્યોની નિર્ણાયક સમિતિની રચના કરવામાં આવી હતી, સમિતિ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાની પસંદગી કરવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્પર્ધાના ત્રણેય વિજેતા બાળકોને સૌની ઉપસ્થિતિમાં પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિજેતા ધ્રુવી અલ્પેશભાઈ માલ, દ્વિતીય વિજેતા તક્ષીલ પ્રફુલભાઈ ગામેતી અને તૃતીય વિજેતા તરીકે એન્જલ મહીપતભાઈ ગોહિલને જાહેર કરવામાં આવેલ હતા.






































