દેશના કે રાજ્યના ઘણા-ખરા લોકોને ફિઝિયોથેરાપી વિશે સ્પષ્ટ સમજ કે ખબર નથી. ત્યારે ફિઝિયોથેરાપીનું એ ટુ ઝેડ જાણીએ..
કસરત અર્થાત્ વ્યાયામ દ્વારા શરીરના સાંધાની નબળાઇ કે વેદના દૂર કરવા તથા મહત્તમપણે કાર્યરત કરી માંસપેશીઓને સક્રિય કરી કરાતા ઉપચારને ફિઝિયોથેરાપી કહે છે. ફિઝિયોથેરાપીમાં દવા અપાતી નથી, જેથી આ સારવારની કોઈ આડઅસર થતી નથી. ખાસ વાત એ કે, ફિઝિયોથેરાપી જો લાંબા સમય સુધી અને નિયમિતપણે લેવામાં આવે તો જ તેની અસર દેખાય છે અને તકલીફ મટે છે. ફિઝિયોથેરાપીની સારવાર કરનાર તજજ્ઞને ફિઝિયોથેરાપિસ્ટ કહે છે.
શરીરની અમુક તકલીફમાં જો તમે દવા લેવા ઈચ્છતા ના હોવ તો, નિષ્ણાત અને હોશિયાર ફિઝિયોથેરાપિસ્ટનાં સલાહ-સૂચન, માર્ગદર્શન અને ફિઝિયોથેરાપી સારવારથી દવા વિના પણ રોગને મટાડી શકો છો. ફિઝિયોથેરાપીમાં દર્દીને દવાથી નહિ પણ કસરતથી સારું થાય છે કે તેનો રોગ કે સમસ્યા મટે છે. ફિઝિયોથેરાપી દ્વારા દવા વગર, કસરત અને હાથથી તથા વિદ્યુતચુંબકીય ઉપકરણથી પણ સારવાર અપાય છે.
– ફિઝિયોથેરાપી એટલે શું?:
ફિઝિયોથેરાપી એ પીડા મટાડવા, ઘટાડવા અને વ્યક્તિના આરોગ્યને પ્રોત્સાહન આપવાની થેરાપી છે. ફિઝિયોથેરાપિસ્ટ બનનારને મેન્યુઅલ થેરાપીમાં સઘન તાલીમ અપાય છે, જેનો અર્થ એ કે તે દર્દીઓ સાથે “હેન્ડ ઓન” છે. જેમાં મસાજ, સંયુક્ત ગતિશીલતા, મોબિલાઇઝેશન, મેનીપ્યુલેશન અને સ્નાયુનું ખેંચાણ હોઈ શકે છે. જે આપણે વિવિધ તકનીકથી મેળવીએ છીએ. ફિઝિયોથેરાપીમાં મેન્યુઅલ કૌશલ્યને પૂરક બનાવવા, ક્યારેક હોટ પેક, બરફ, ટેન્સ TENS, ઇલેક્ટ્રિકલ સ્ટીમ્યુલેશન, અલ્ટ્રાસાઉન્ડ અને લેસર ટ્રીટમેન્ટ સહિત પીડા કે બળતરા ઘટાડવા વિવિધ પધ્ધતિનો ઉપયોગ થાય છે. એક્યુપંક્ચર, નિડલિંગ થેરાપી, કપિંગ થેરાપી અને એક્વા થેરાપીનો પણ સમાવેશ થાય છે.
– ફિઝિયોથેરાપીનું મહત્વ:
જો પીડા એક સમસ્યા છે, તો ફિઝિયોથેરાપી એનો ઉકેલ છે. અભ્યાસ અને અનુભવ સાબિત કરે છે કે ફિઝિયોથેરાપી એ નાનાથી માંડી મોટા દુખાવા અને ઈજા સામે ખૂબ અસરકારક થેરાપી છે. સ્નાયુઓના દુખાવા કે અસ્થિરતાથી છુટકારા માટે ફિઝિયોથેરાપિસ્ટ સ્ટ્રેચ, વ્યાયામ, હીટ થેરાપી, મસાજ કે ટ્રેક્શન જેવી વસ્તુ સૂચવે છે. કે પછી સમસ્યાની ગંભીરતા કે સ્થિતિ મુજબ તેને જોડી શકે છે. માથાના કે સ્નાયુના દુખાવાથી બચવા માટે કેટલીકવાર પેઇનકિલર અસરકારક હોય છે, પરંતુ તેની મર્યાદા અને આડઅસર પણ હોય છે. ફિઝિયોથેરાપી ઉપલા સ્તરના દુખાવા અને ઇજા સાથે વ્યવહાર કરે છે. તેથી તેના મહ¥વને કોઈપણ રીતે નકારી શકાય નહીં. ફિઝિયોથેરાપીનું મહ¥વ એ હકીકતથી જોઈ-જાણી શકાય છે કે, શ્વસન રોગ જેવા કે દમ, અસ્થમા, સીઓપીડી અને બ્રોન્કાઇટિસ જેવા રોગોમાં ફિઝિયોથેરાપી ખૂબ ઉપયોગી નિવડે છે. વિવિધ જાતની સર્જરી કે ઓપરેશન જેવાં કે ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, હાર્ટ સર્જરીની પહેલાં અને પછી પણ ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છે. જેથી, દર્દી જે કસરત કરે છે એનાથી તે જલ્દી સ્વસ્થ થઇ શકે છે.
– ફિઝિયોથેરાપી વિશેની ગેરમાન્યતાઃ
(૧) વ્યક્તિ ફિઝિયોથેરાપિસ્ટને બતાવવા જાય તો રેફરલ જરૂર પડે છે.
હા, ફિઝિશિયન એન્ડ સર્જન ફિઝિયોથેરાપી માટે એક દર્દીને રેફરલ આપે છે, પણ એનો અર્થ એ નથી કે ફિઝિયોથેરાપિસ્ટને મળવા હંમેશા રેફરલ મેળવવો પડે. વ્યક્તિ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઇ તપાસ કરાવી શકે છે. અમુક કિસ્સામાં ફિઝિયોથેરાપિસ્ટને લાગે કે ફિઝિયોથેરાપીથી સારવાર કરાઇ તેમ નથી, તો તે નિષ્ણાત ડોક્ટરને રીડાયરેક્ટ કરે છે.
(૨) ફિઝિયોથેરાપી માત્ર વિદ્યુત મશીન અને કોઇ પધ્ધતિથી જ થાય છે.
ફિઝિયોથેરાપી એક રીહેબિલિટેટિવ વિજ્ઞાન છે, જે દર્દીના ઈલાજ માટે મુખ્યત્વે કસરત પર ધ્યાન આપે છે. જેમાં ઇલેક્ટ્રિકલ પધ્ધતિથી કે મશીનથી જે-તે પીડામાં રાહત મળે છે. લાંબા ગાળાના સારા પરિણામ મેળવવા, રીહેબિલિટેટિવ કાર્યક્રમ પણ જરૂરી છે.
(૩) ફિઝિયોથેરાપિસ્ટ માત્ર સ્નાયુ, અસ્થિબંધન કે લીગામેન્ટ સંબંધી સમસ્યા કે રમતગમતમાં થતી ઇજાની સારવાર કરે છે.
ફિઝિયોથેરાપીમાં હાડકાં, લિગામેન્ટ અને સ્નાયુ સંબંધી બીમારી સિવાય પિડિયાટ્રિક કંડિશન જેવી કે ડિલે ડેવલપમેન્ટ, સેરેબ્રલ પાલ્સી, સ્પાઇના બાય ફિડા જેવી સમસ્યાની સારવાર કરાય છે. ન્યુરોલોજિકલ કંડિશન જેવી કે, સ્ટ્રોક, પાર્કિન્સન જેવી સમસ્યામાં સારવાર આપે છે. વૃધ્ધજનોની ગતિશિલતા, બેલેન્સ અને કો-ઓર્ડિનેશન જાળવવામાં ફિઝિયોથેરાપી મહ¥વનો ભાગ ભજવે છે. પ્રેગનન્ટ મહિલાઓને પ્રેગનન્સી પૂર્વે, પ્રેગનન્સી દરમિયાન અને પ્રેગનન્સી પછી ફિઝિયોથેરાપી મહ¥વનો ભાગ ભજવે છે. જેમાં પેલ્વિક ફ્લોરની એક્સરસાઇઝ, યુરિન સમસ્યામાં એક્સરસાઇઝ કરાવાય છે.
(૪) ફિઝિયોથેરાપી કામચલાઉ સુધારો કરે છે, જેમાં તાત્કાલિક પરિણામ મળતું નથી.
ફિઝિયોથેરાપી કાયમી ઉપચાર છે, તેનો હેતુ માત્ર ઇલાજ નથી પણ દર્દીને ફરી ઈજા થતી અટકાવે છે. એક સારા, અધિકૃત અને સુદ્રઢ અભ્યાસ કરી ચૂકેલા ફિઝિયોથેરાપિસ્ટને હંમેશા ખબર હોય છે કે ફિઝિયોથેરાપી માત્ર કામચલાઉ નહીં, પણ લાંબા ગાળાના લાભ આપે છે. ખાસ પરિસ્થિતિમાં તાત્કાલિક પરિણામ મળે છે. જો કે, સ્ટ્રોકના દર્દીમાં ક્યારેક લાંબો સમય લાગી શકે છે.
(૫) સર્જરી જ એકમાત્ર વિકલ્પ છે.
ઘણા કિસ્સામાં, ફિઝિયોથેરાપી અસરકારક સારવાર સાબિત થઇ છે- રોટેટર કફ ઈજા, સોલ્ડર ડિસલોકેશન, ગાદી કે ઘૂંટણનો ઘસારો.. હકીકતમાં, ફિઝિયોથેરાપી ઉપચાર શ્રેષ્ઠ સ્વરૂપ છે. જ્યાં સુધી, દર્દીની સ્થિતિ ફિઝિયોથેરાપીથી સારી થઈ શકતી હોય ત્યાં સુધી દર્દીને ઓપરેશન તરફ જતા રોકવામાં ફિઝિયોથેરાપી સફળ નિવડી છે.
(૬) ફિઝિયોથેરાપી એટલે મસાજ થાય છે.
આ વાત તદ્દન પાયાવિહોણી છે. ફિઝિયોથેરાપિસ્ટ એ મસાજ આપતા કે મસાજ કરનારા ડોક્ટર નથી. ફિઝિયોથેરાપી તકનીક જેવી કે માયોફેસિઅલ રિલીઝ કે ડીપ ટિશ્યૂ રિલીઝ તરીકે ઓળખાય છે. જ્યાં ફિઝિયોથેરાપિસ્ટ સ્નાયુના અસરગ્રસ્ત જૂથ કે પીડાદાયક ચોક્કસ સ્નાયુઓની સારવાર કરે છે, જેની તુલના મસાજ સાથે કદી ના થઈ શકે. ફિઝિયોથેરાપિસ્ટને દરેક સ્નાયુની રચના, સ્થિતિ અને સ્થાન વિશે સંપૂર્ણ જ્ઞાન હોય છે. તેમણે તેનો અભ્યાસ કર્યો હોઇ, તે મુજબ તેઓ સ્નાયુની સારવાર કરે છે. (ક્રમશઃ)
sanjogpurti@gmail.com











































