છોટાઉદેપુર જિલ્લાના કોરજ ગામમાં ૧૫ ઓગસ્ટની રાત્રે ભજન-સત્સંગનો અવાજ ગુંજી રહ્યો હતો. ઘરની બાજુમાં ચાલી રહેલા ભજનના કાર્યક્રમમાં પરિવારના સભ્યો ગયા હતા. પતિ નાઇટ ડ્યૂટી પર હતો અને ઘરમાં ત્રણ દીકરીઓ સાથે પરિણીત મહિલા એક રૂમમાં સૂતી હતી. બહાર ભજન ચાલી રહ્યા હતા અને ઘરની અંદર એક ખૂની ખેલ ખેલાઈ ગયો.
ત્રણ દીકરીઓની માતા ભારતી રાઠવાની તેના જ કૌટુંબિક ભત્રીજા સુનિલ રાઠવા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો. જાકે, પોતે પરીણીત અને ત્રણ સંતાનોની માતા હોવાનું ભાન થતાં ભારતીને આ સંબંધનો પસ્તાવો થયો હતો. તેણે સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો. પોલીસના જણાવ્યા મુજબ, ભારતીના આ નિર્ણયથી સુનિલ ઉશ્કેરાયો હતો અને તેણે સંબંધ ચાલુ રાખવા માટે તેના પર દબાણ કર્યું હતું.
ભારતીએ સુનિલ સાથે સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એટલું જ નહીં, તેણે પોતાની ભૂલ અંગે પિતાને પણ જાણ કરી હતી અને હવે સુનિલ સાથે કોઈ સંબંધ રાખવા માંગતી ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ સુનિલ આ નિર્ણય સ્વીકારવા તૈયાર નહોતો. તે વારંવાર ભારતીને મળવાનો પ્રયાસ કરતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીએ અગાઉ પણ ભારતીની હત્યાનો પ્રયાસ કર્યો હતો અને આ વખતે હત્યા કરવા માટે પહેલેથી પ્લાન બનાવ્યો હતો.
૧૫ ઓગસ્ટે ભારતીના ઘરની બાજુમાં ભજન-સત્સંગનો કાર્યક્રમ હતો. ભજનનો અવાજ સંભળાઈ રહ્યો હોવાથી ભારતીના સાસુ-સસરા પણ કાર્યક્રમમાં ગયા હતા. બીજી તરફ ભારતીનો પતિ યોગેશ રાઠવા હોમગાર્ડની નોકરી કરતો હોવાથી છોટાઉદેપુર ખાતે નાઇટ ડ્યૂટી પર ગયો હતો. ઘરમાં ભારતી પોતાની ત્રણ દીકરીઓ સાથે અલગ રૂમમાં સૂતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ જ તકનો લાભ લઈને સુનિલ રાઠવા રાત્રે ઘરમાં ઘૂસ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેણે અગાઉથી હત્યાનું આયોજન કર્યું હતું.
રાત્રે આશરે ૨ વાગ્યાની આસપાસ સુનિલ ભારતી જે રૂમમાં સૂતી હતી ત્યાં પહોંચ્યો હતો. સંબંધ તોડી નાખવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાની શક્યતા છે. ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો અને આરોપીએ ભારતી પર ચપ્પાથી હુમલો કરી દીધો. હુમલો કર્યા બાદ સુનિલ ત્યાંથી ભાગી ગયો હતો. ઘરમાં ત્રણ દીકરીઓ વચ્ચે ભારતી લોહીલુહાણ હાલતમાં પડી રહી હતી.
ભજન-સત્સંગ પૂર્ણ થયા બાદ સાસુ-સસરા વહેલી સવારે ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન ભારતીની નાની દીકરીના રડવાનો અવાજ સંભળાયો. સાસુ-સસરાએ દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરવાજા ખુલ્યો નહીં. આ અંગે ગામના લોકોને જાણ કરવામાં આવતા લોકો દોડી આવ્યા હતા. દરવાજા તોડીને અંદર પ્રવેશતાં ભારતીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડેલો જાવા મળ્યો હતો. તેની બાજુમાં ચપ્પુ પણ પડેલું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી.
ભારતીના પતિ યોગેશ રાઠવા નાઇટ ડ્યૂટી પૂર્ણ કરીને સવારે આશરે ૪ વાગ્યે ઘરે પરત ફર્યા હતા. ઘરે પહોંચતાં તેમને બહાર લોકોનું ટોળું જાવા મળ્યું હતું. યોગેશ રાઠવાએ જણાવ્યું હતું કે, “હું સવારે ૪ વાગે ઘરે આવ્યો. અમારા ઘરમાં ભજન હતા. હું રાત્રે ૯ઃ૩૦ વાગ્યે નોકરી માટે ગયો હતો. ઘરે આવ્યો ત્યારે ઘર પાસે ટોળું હતું. મારી પત્નીને ઘરમાં તાળું મારીને, દીવાલ કે કોઈ ગોખલું પાડી અંદર પ્રવેશીને ચપ્પાના ઘા માર્યા હતા. મને કોઈએ કંઈ કહ્યું નહીં.” સૌથી કરુણ વાત એ છે કે પત્નીના અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાની વાતની તેને જાણ નહોતી. હવે પત્નીની હત્યા બાદ ત્રણ દીકરીઓની જવાબદારી તેના માથે આવી ગઈ છે. તે હત્યારાને કડક સજા મળે અને પોતાને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યો છે.
સવારે હત્યાની જાણ થતાં જ કોરજ ગામમાં લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા ટીમને બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત ડોગ સ્કવોડની મદદથી પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે તપાસ તેજ કરતાં હત્યાના આરોપી સુનિલ રાઠવાને કલાકોમાં જ ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.છોટાઉદેપુરના પીઆઇ જે.ડી. વસાવાના જણાવ્યા મુજબ, “મૃતક અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો. મૃતકે સંબંધ રાખવાની ના પાડી તો આરોપીએ હત્યા કરી. આરોપીએ અગાઉથી હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. અગાઉ પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગામમાં ભજનનો કાર્યક્રમ હતો. મૃતકના સસરા ભજનમાં ગયા બાદ આરોપીએ હત્યાને અંજામ આપ્યો. મૃતકનો પતિ હોમગાર્ડમાં છે અને નાઇટ ડ્યૂટી પર હતો.”ભારતીએ પોતાના જીવનની ભૂલ સમજાઈ હોવાનું માનીને સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. તેણે સંબંધ જાળવી રાખવાનો ઇનકાર કર્યો, પરંતુ આ નિર્ણય તેની જિંદગીનો અંત લાવશે એવું કદાચ તેણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. એક તરફ
આભાર – નિહારીકા રવિયા હત્યાની તપાસ આગળ વધી રહી છે, બીજી તરફ ત્રણ નાની દીકરીઓએ તેમની માતા ગુમાવી છે. પતિ યોગેશ ન્યાયની રાહ જાઈ રહ્યો છે અને કોરજ ગામના લોકો પણ આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.