(ગતાંકથી આગળ) ચીયર્સ!: હવે એ હવામાં રહેલો ગ્લાસ હોઠે લગાવો. એક ઊંડો શ્વાસ લો. હવામાં જ સાવ નિરાંતે નિરાંતે ગટ-ગટ-ગટ કરતા ત્રણ-ચાર પિયાલા ગટગટાવી જાવ.
આટલું કરશો એટલે મગજમાં ડોપામાઈન રિલીઝ થશે અને તમને થોડી-થોડી ચડવા લાગશે. હવે મેઈન કામ શરૂ થાય છે. જેવી થોડી ચડે, એટલે કલ્પનાના જોરે એને ધક્કો મારીને વધુ ચડાવવાની છે!
તમારે તમારી જાતને મનોમન વડાપ્રધાન, વિશ્વનો રાજા, બ્રહ્માંડનો ઈન્દ્ર અથવા તો સાક્ષાત ઈશ્વર માની લેવાના છે. આ મારો ખુલ્લો દાવો અને ગેરંટી છે કે, તમે કલ્પનામાં જે માની લેશો, એ તમે એ જ ક્ષણે બની જશો
પૂરેપૂરો નશો મગજમાં વ્યાપી જાય એટલે ધીમે રહીને આંખો ખોલો. આહા! હવે તમને દુનિયા રંગીન અને ગોળ-ગોળ ફરતી લાગશે.
હવે તમારી પાસે બે રસ્તા છેઃ જો તમારે શાંતિ જોઈતી હોય, તો એ જ કાલ્પનિક નશાના આનંદ સાથે ખાટલામાં જઈને ઘોરવા માંડો (નસકોરાં બોલાવો). પણ જો તમે સાચા ગુજરાતી છો અને તમારે ‘આઠ આનાનો ડાન્સ’ કરવો છે, તો તમારે ગામમાં ‘ફાકા-ફોજદારી’કરવા જવાનું છે. બહાર નીકળો!
દુકાને, પાનના ગલ્લે, ચોકમાં કે કોઈક બીજી જાહેર જગ્યાએ જાઓ. પણ હા, ચાલવામાં ધ્યાન રાખજો. સીધું નથી ચાલવાનું. કલ્પનામાં ૩-૪ પેગ માર્યા છે એટલે થોડું થોડું લથડિયાં ખાતા ખાતા ચાલવાનું છે. બે ડગલાં ડાબી બાજુ, બે ડગલાં જમણી બાજુ. જેથી કરીને નશાનો સુંદર અહેસાસ આખી દુનિયાને થાય.
બસ, આ રીતે બહાર નીકળો અને વાતોથી દુનિયાને ખેદાન-મેદાન કરી નાખો. ગલ્લે જઈને ભાષણ આપો કે યુક્રેન અને રશિયાનું યુધ્ધ તમે કઈ રીતે રોકી શકો તેમ છો.
આ મારી સિસ્ટમનું, એટલે કે ‘બારૈયા સ્ટાઈલ’નું સૌથી મોટું જમા પાસું શું છે ખબર છે? તમે આ રીતે ભરબજારે લથડિયાં ખાતા હશો, અને ધારો કે ગુજરાત પોલીસની પીસીઆર વાન આવી ગઈ. ઇન્સ્પેક્ટર તમને કોલર પકડીને બ્રેથ-એનલાઇઝર (પેલી ફૂંક મારવાનું મશીન) મોઢામાં નાખશે. તમે પૂરી તાકાતથી ફૂંક મારશો અને મશીનમાં આંકડો આવશેઃ ૦.૦૦%!
પોલીસ ગોથે ચડી જશે કે સાલો આટલો બધો પીધેલો છે, પણ મશીન કેમ નથી પકડતું? પોલીસ પણ તમને પકડી નહીં શકે. (ઇન્સ્પેક્ટર જમાદાર ને કહેશેઃ આ ભાઈને જ્યાં જતા હોય ત્યાં જવા દો અને આ મશીનને રીપેર કરવા માટે જવા દો!) કાયદાની કોઈ કલમ ‘કાલ્પનિક દારૂ’ માટે બની જ નથી! અને આખા ખેલમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ થયો જ નથી! ખર્ચો ઝીરો અને નશો હીરો!
તમને કદાચ લાગતું હશે કે હું હવામાં ગોળીબાર કરી રહ્યો છું, પણ મારી આ થિયરીને મોટા ગજાના સાહિત્યકારો અને કલાકારોનું સમર્થન પ્રાપ્ત છે.
એકવાર મેં પોરબંદરના પ્રખ્યાત શ્રી હરિ મંદિર ખાતે ભજન સમ્રાટ અનુપ જલોટાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. વાતો વાતોમાં તેમણે ડો. હરિવંશરાય બચ્ચનની પ્રખ્યાત રચના ‘મધુશાલા’ (દારૂખાનું) ના ભરપેટ વખાણ કર્યા. કવિતાની પંક્તિઓ ગાઈ ગાઈને સંભળાવી.
તે વખતે હું થોડો ભોળો હતો એટલે મેં એમને સીધો જ પ્રશ્ન પૂછી લીધો કે, ‘જલોટાજી, તમે તો ભજન ગાવ છો, તો તમને દારૂ અને મધુશાલા પ્રત્યે આટલો બધો પ્રેમ કેમ છે?!’
ત્યારે એમણે હસીને એક બહુ જ ગહન વાત કહી હતી. તેમણે કહ્યુંઃ ‘અરે ભાઈ! મધુશાલા એ કોઈ પીવાનો દારૂ નથી, પરંતુ અંતરના આનંદની, આત્માની મસ્તીની એક અનોખી રીત છે. એમાં જે નશો છે તે આધ્યાત્મિક છે!’
બસ! એ દિવસે મને જ્ઞાન લાધ્યું હતું. તો હવે વિનામૂલ્યે અને સરાજાહેર દારૂ પીવાની મારી આ નવી શોધ વિશે હું અંતમાં આટલું જ કહીશ કેઃ
તમારી કલ્પનાને એટલી મજબૂત કરો, એટલી ઘાટી અને સ્ટ્રોંગ બનાવો કે તમને એમ જ લાગે કે આ કોઈ કલ્પના નથી પણ બ્લેકમાં લાવેલો વાસ્તવિક ઓરિજિનલ દારૂ જ છે. આ રીતે વાસ્તવિકતાથી, વાસ્તવિકતાપૂર્વક કાલ્પનિક દારૂ પીવો, મફતમાં નશો કરો અને જીવનની મોજ કરો!
(અંતિમ નોંધઃ જો આ છેલ્લું વાક્ય વાંચીને તમારું મગજ ચકરાવે ચડી ગયું હોય અને તમને કશું જ ન સમજાયું હોય, તો એનો સીધો અર્થ તમારે એ જ કરવાનો કે આ લેખ લખતા લખતા મને પણ થોડી ચડી ગઈ છે, અને વાંચતા વાંચતા તમને પણ મફતમાં થોડી ચડી ગઈ છે!
યાહૂઉઉઉઉઉઉઉઉઉ…!) naranbaraiya277@gmail.com









































