ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ની એ.જી.આર.-૫૦ ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર) યોજના હેઠળ પૂર્વમંજૂરી મેળવનાર અમરેલી જિલ્લાના તમામ ખેડૂતોને જિલ્લા ખેતીવાડી કચેરીએ મહત્વપૂર્ણ સૂચના આપી છે. લાભાર્થીઓએ સરકારની શરતો મુજબ મંજૂર મોડલનો ટ્રેક્ટર ખરીદી, પાસિંગ કરાવી અને ખરીદી બિલ, આર.સી. બુક, વીમા, ૮-અ સહિતના જરૂરી દસ્તાવેજો પૂર્વમંજૂરી મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર તાલુકા કક્ષાની ખેતીવાડી કચેરીમાં ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી)ને રજૂ કરવાના રહેશે. તમામ દસ્તાવેજો આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ પર અપલોડ કરવાનું પણ ફરજિયાત છે. સમયમર્યાદામાં દસ્તાવેજો રજૂ નહીં થાય અથવા પોર્ટલ પર અપલોડ નહીં કરવામાં આવે તો અરજી દફતરે કરવામાં આવશે અને સહાયનો લાભ મળશે નહીં. જિલ્લા ખેતીવાડી અધિકારીએ તમામ લાભાર્થી ખેડૂતોને સમયસર કાર્યવાહી કરવાની અપીલ કરી છે.



































