ટીમ ઈન્ડિયા ફરી એકવાર શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તૈયાર છે. ૧૫ થી ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન બંને દેશો વચ્ચે રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણી એક મહત્વપૂર્ણ ઘટના હશે, અને તેનું મહત્વ ફક્ત દ્વિપક્ષીય સ્પર્ધાથી આગળ વધે છે. આ શ્રેણીમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ડબ્લ્યુટીસી ૨૦૨૫-૨૭) માટેના પોઈન્ટ પણ દાવ પર લાગશે. આમ, શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ માત્ર જીત માટે જ નહીં પરંતુ પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ઉછાળો મેળવવા માટે પણ પ્રયત્નશીલ રહેશે. શ્રેણી પહેલા, ભારતીય ટીમ સ્થાનિક પરિસ્થિતિઓ માટે તૈયારી કરવા માટે ૭ ઓગસ્ટથી કોલંબોમાં ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે.
ભારત હાલમાં નવ મેચ પછી ૫૨ પોઈન્ટ અને ૪૮.૧૫ પીસીટી સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૨૦૨૫-૨૭ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. જા ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં સારું પ્રદર્શન કરે છે, તો ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણી પહેલા તેની સ્થિતિ નોંધપાત્ર રીતે મજબૂત થઈ શકે છે.
સમયાંતરે શ્રીલંકાની ધરતી પર ભારતનો ટેસ્ટ રેકોર્ડ સતત સુધર્યો છે. ૧૯૮૫ થી ૨૦૧૭ દરમિયાન, શ્રીલંકામાં બંને ટીમો વચ્ચે કુલ ૨૪ ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાંથી ભારતે નવ મેચ જીતી હતી અને સાત હારી હતી. આઠ ટેસ્ટ ડ્રો રહી. ભારતે ઓગસ્ટ ૧૯૮૫માં કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર શ્રીલંકામાં પોતાની પહેલી ટેસ્ટ રમી હતી. તે મેચ ડ્રો રહી હતી. શરૂઆતના વર્ષોમાં, ભારતીય ટીમ શ્રીલંકાની પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી હતી, પરંતુ છેલ્લા દાયકામાં પરિÂસ્થતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.ભારતનો શ્રીલંકામાં છેલ્લો ટેસ્ટ પરાજય ઓગસ્ટ ૨૦૧૫માં ગાલેમાં થયો હતો. શ્રીલંકાએ તે મેચ ૬૩ રનથી જીતી હતી. ત્યારથી, ભારતીય ટીમે શ્રીલંકામાં રમાયેલી તમામ પાંચ ટેસ્ટ મેચ જીતી છે અને છેલ્લા ૧૧ વર્ષમાં ત્યાં એક પણ ટેસ્ટ હાર્યું નથી. આ જીતનો સિલસિલો ઓગસ્ટ ૨૦૧૫માં કોલંબોમાં ૨૭૮ રનની જંગી જીત સાથે શરૂ થયો હતો. આ જ શ્રેણીમાં, ભારતે સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર ૧૧૭ રનથી બીજી જીત નોંધાવી હતી.
ભારતે છેલ્લે ૨૦૧૭માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકાના પ્રવાસે ગયો હતો. તે પ્રવાસ ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી યાદગાર વિદેશી પ્રવાસોમાંનો એક છે. ભારતે પ્રથમ ઇનિંગમાં ૬૦૦ રન બનાવ્યા બાદ ગેલ ટેસ્ટ ૩૦૪ રનથી જીતી લીધી. ત્યારબાદ કોલંબો ટેસ્ટમાં એક ઇનિંગ અને ૫૩ રનથી જીત મેળવી અને પછી પલ્લેકેલેમાં ઇનિંગ અને ૧૭૧ રનથી શાનદાર જીત મેળવીને ૩-૦થી શ્રેણી જીતી લીધી. આ ક્લીન સ્વીપે વિદેશી ધરતી પર ભારતનું વર્ચસ્વ દર્શાવ્યું અને શ્રીલંકામાં તેમનો અજેય સિલસિલો લંબાવ્યો.ભારતનો ભૂતકાળનો રેકોર્ડ તેમના પક્ષમાં છે, પરંતુ આ વખતે મેચ પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ડબ્લ્યુટીસી ફાઇનલમાં પહોંચવા માટે ભારતને આ શ્રેણીમાં જીતની સખત જરૂર પડશે. બીજી તરફ, શ્રીલંકા પણ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ઘરઆંગણાની પરિસ્થિતિ લાભ લેવાનો પ્રયાસ કરશે.












































