બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બુધવારે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખરોડિયા ચોકડી નજીક ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માતની આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા સ્થિત ખરોડિયા ચોકડી નજીકની છે. જ્યાં મુસાફરોથી ભરેલી બસ અને ઓટો રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માત સમયે ઓટો રિક્ષામાં સવાર લોકોમાંથી ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને રાહદારીઓ અને પોલીસની મદદથી તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટના બાદ પાલનપુર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








































