વડોદરા શહેરની ૧૪૫ માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. મતદારો નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને તરસાલી વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.આ દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરીને મુખ્ય માર્ગો, જાહેર સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન દેખરેખ રાખવામાં આવી હતી. ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવાનો રહ્યો.પોલીસ અધિકારીઓએ સ્થાનિક નાગરિકોને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. સાથે જ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અનિચ્છનીય ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવા અનુરોધ કર્યો છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અશાંતિ સર્જાય નહીં તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ વધારાનો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.
પોલીસ તંત્રના જણાવ્યા મુજબ, પેટા ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર માંજલપુર વિધાનસભા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અને સઘન પેટ્રોલિંગ યથાવત રાખવામાં આવશે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને નિર્ભય વાતાવરણમાં સંપન્ન થઈ શકે.