બેલારૂસમાં નોકરી અપાવવાના બહાને અમદાવાદની એક મહિલા સાથે અંદાજે ૬ લાખની કથિત છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. આ અંગે વડોદરાની એક કન્સલ્ટન્સી ફર્મના સંચાલક અને તેમના પરિવારના સભ્યો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં નાણાં લીધા બાદ વિઝા પ્રક્રિયા પૂર્ણ ન કરવી, કથિત નકલી દસ્તાવેજા આપવાના અને પૈસા પરત માંગતા ધમકી આપવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ, અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી આર્યાબેન વિરલભાઈ ઠાકોરનો વર્ષ ૨૦૨૫ દરમિયાન તેમના મિત્ર મારફતે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પ્રમુખ કન્સલ્ટન્સીના સંચાલક રેશ્માબેન પટેલ સાથે સંપર્ક થયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કન્સલ્ટન્ટે બેલારૂસમાં નોકરી અને વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી હતી અને સમગ્ર પ્રક્રિયા માટે લગભગ ૬ લાખ ખર્ચ થવાનો હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદ અનુસાર, શરૂઆતમાં રોકડ રકમ આપવામાં આવી હતી. ત્યારબાદ વિઝા પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાના બહાને વધુ રકમની માંગણી કરવામાં આવી હતી. ભોગ બનનાર મહિલાએ પોતાના પરિવારની મદદથી કુલ અંદાજે ૬ લાખની રકમ આરોપીઓને આપ્યાનો આક્ષેપ કર્યો છે.
ફરિયાદમાં એવો પણ આરોપ છે કે નાણાં મળ્યા બાદ સમયસર વિઝા મળ્યો નહોતો. ત્યારબાદ વોટ્‌સએપ મારફતે કથિત ઓફર લેટર, રહેવાની વ્યવસ્થા સંબંધિત દસ્તાવેજા અને બેંક બેલેન્સ સંબંધિત કાગળો મોકલવામાં આવ્યા હતા, જે બાદમાં શંકાસ્પદ હોવાનું જણાયું હતું. ફરિયાદ મુજબ, મુંબઈમાં વિઝા એપોઇન્ટમેન્ટ માટે જવાનું પણ નક્કી થયું હતું, પરંતુ છેલ્લી ઘડીએ ‘સર્વર ક્રેશ’નું કારણ આપી સમગ્ર પ્રક્રિયા અટકાવવામાં આવી હતી.
ભોગ બનનાર મહિલાને બાદમાં જાણવા મળ્યું કે તેમને કથિત રીતે બેલારૂસમાં બાંધકામ ક્ષેત્રની નોકરી માટે ઓફર આપવામાં આવી રહી હતી, જેને તેમણે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મહિલાએ પોતાની રકમ પરત માગી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રૂપિયા પરત માંગતા આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને મધ્યસ્થી મારફતે વાતચીત દરમિયાન પણ રકમ પરત ન આપવાની તેમજ ધમકીભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે વડોદરામાં સંબંધિત પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.