કેન્દ્ર સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીને એક મોટી માળખાગત સુવિધા ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે શહેરમાં ૪૩.૨૧૮ કિલોમીટરના એલિવેટેડ કોરિડોર અને ૬-લેન ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ બે પ્રોજેક્ટ્સ પર કુલ ૨૫,૦૦૦ કરોડથી વધુનો ખર્ચ થશે. હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ પર આધારિત, આ મેગા પ્રોજેક્ટ્સ સ્થાનિક લોકો, ભારત અને વિદેશના યાત્રાળુઓ અને કાશી જતા પ્રવાસીઓ માટે ટ્રાફિક જામમાંથી કાયમી રાહત આપશે.
બુધવારે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગમાં માહિતી આપી હતી કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૯ અને વારાણસી રિંગ રોડ વચ્ચે ભવ્ય ૬-લેન ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોરના વિકાસને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ ૪૬.૦૩૯ કિલોમીટર હશે અને તેનો ખર્ચ આશરે ૧૪,૪૪૭.૬૪ કરોડ થશે. આ ગ્રીનફિલ્ડ કોરિડોર વારાણસીના રોડ નેટવર્કને ઉત્તમ કનેકટીવિટી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો એ હશે કે તે આ અસરગ્રસ્ત વિસ્તારમાં વાહનો માટે સરેરાશ મુસાફરી સમય લગભગ ૬૦ મિનિટથી ઘટાડીને માત્ર ૨૦ મિનિટ કરશે. આ શહેરના મુખ્ય ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્થળો સુધી પહોંચવામાં મોટા પ્રમાણમાં સુવિધા આપશે.
વારાણસી શહેરમાં ભીડ ઓછી કરવા માટે, સરકારે વરુણા નદીના કિનારે બીજા એક મોટો કોરિડોર મંજૂર કર્યો છે. આ ૪૩.૨૧૮ કિલોમીટર લાંબો ૬/૪-લેનનો એલિવેટેડ કોરિડોર હશે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૧ અને વારાણસી રિંગ રોડને સીધો જાડશે. આ મહત્વપૂર્ણ શહેરી પ્રોજેક્ટ પર કુલ ૧૦,૯૯૮.૩૨ કરોડનો ખર્ચ થશે.
વારાણસી ડીકોન્જેસ્ટન પ્લાનના ભાગ રૂપે બનાવવામાં આવી રહેલો આ બીજા કોરિડોર,એનએચ-૩૧ અને કાશી રેલ્વે સ્ટેશન વચ્ચે સીમલેસ કનેકટીવિટી પ્રદાન કરશે. એકવાર કાર્યરત થયા પછી, એનએચ-૩૧ અને કાશી રેલ્વે સ્ટેશન વચ્ચેનો મુસાફરીનો સમય ૫૦% ઘટી જશે, જે વર્તમાન ૪૦-મિનિટની મુસાફરીને માત્ર ૨૦ મિનિટમાં ઘટાડશે. વધુમાં, આ કોરિડોર પ્રદેશના આર્થિક વિકાસને વેગ આપશે. આ માર્ગ ચંદૌલી સામાજિક આર્થિક ક્ષેત્ર, ચંદૌલી અને છ મુખ્ય લોજિસ્ટીક્સ નોડ્સ સાથે જાડાણને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે, જેનાથી વેપાર અને માલ પરિવહનને વેગ મળશે.








































