ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી યાસ્તિકા ભાટિયાએ લંડનના ઐતિહાસિક લોર્ડ્‌સ મેદાન પર નવો ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતના વડોદરાની આ હોનહાર ખેલાડીએ મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરી છે. તે લોર્ડ્‌સના પ્રતિષ્ઠિત મેદાન પર સદી ફટકારનારી દુનિયાની એકમાત્ર વિકેટકીપર-બેટર બની ગઈ છે. યાસ્તિકાએ પોતાની શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા ૧૫૮ બોલમાં ૧૪ ચોગ્ગાની મદદથી ૧૧૩ રનની યાદગાર ઈનિંગ રમી અને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. દીકરીની આ ઐતિહાસિક સિદ્ધિ પર તેના માતા-પિતાએ ખુશી વ્યક્ત કરી છે.
યાસ્તિકાના આ ઐતિહાસિક પ્રદર્શનથી વડોદરામાં તેના પરિવાર અને ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. તેની આ અસાધારણ સફળતા પર ગર્વ વ્યક્ત કરતા યાસ્તિકાના માતાએ જણાવ્યું કે આજે તેમને પોતાની દીકરી પર ગર્વ છે. તેમણે જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે જ્યારે તેમણે શરૂઆતમાં યાસ્તિકાને ક્રિકેટમાં મૂકી ત્યારે સમાજના લોકો તેમને ટોણા મારતા હતા અને આમ કરવાની ના પાડતા હતા. તેમણે કહ્યું કે જા તે સમયે અમે લોકોની નકારાત્મક વાત સાંભળી હોત તો જીવનભરનો અફસોફ રહી જાત. તેમણે સંદેશ આપ્યો કે દીકરીઓને હંમેશા મુક્ત આકાશ આપવું જાઈએ અને તેને પોતાની રીતે આગળ વધવા દેવી જાઈએ.
યાસ્તિકાના પિતાએ ભાવુક થઈ જણાવ્યું કે જ્યારે દીકરીને ટીવી પર ઈતિહાસ રચતા જાય તો તેમની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે હંમેશા રમતની સાથે-સાથે શિક્ષણને પણ મહત્વ આપ્યું અને યાસ્તિકાને બંને ક્ષેત્રમાં આગળ વધારી. શરૂઆતમાં ઘણા પડકારો આવ્યો, પરંતુ પરિવારે ક્યારેય હાર ન માની. તેમને તે વાતનો ગર્વ છે કે તેમની એક દીકરી ડોક્ટર છે અને બીજી પુત્રી ક્રિકેટની દુનિયામાં દેશનું નામ રોશન કરી રહી છે. તેમણે આ સફળતામાં સ્કૂલ, કોલેજ અને મિત્રોના સહયોગને પણ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
યાસ્તિકા ભાટિયાના કોચે તેની આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતા કર્યું કે આ ખેલાડી ક્રિકેટ રમવા માટે બની છે. તેમણે જણાવ્યું કે યાસ્તિકાની સૌથી મોટી ખાસિયત છે કે તે ક્્યારેય મુશ્કેલ પરિસ્થિતિમાં હાર માનતી નથી. તે હંમેશા કોચની સલાહ માને છે અને પિચ પર સંયમ બનાવી રાખે છે. કોચનું માનવું છે કે લોર્ડ્‌સના મેદાન પર બનેલો આ વર્લ્ડ રેકોર્ડ અને યાસ્તિકાની મહેનત આવનાર સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ માટે ગેમ ચેન્જર સાબિત થશે.