લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમનો ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક વિજય માત્ર એક યાદગાર મેચ જ નહીં, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરના કરિયરનો એક સુવર્ણ અધ્યાય પણ હતો. આ જીત સાથે હરમનપ્રીતે ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બનાવ્યો જે તેના પહેલા કોઈ કેપ્ટને હાંસલ કર્યો ન હતો.ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ૨૭૦ રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. ક્રિકેટના મક્કામાં રમાયેલી આ પહેલી મહિલા ટેસ્ટ મેચ હતી અને ભારતે આ ઐતિહાસિક મેચમાં શાનદાર જીત મેળવી. આ જીત સાથે, કેપ્ટન હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ દિગ્ગજ મિતાલી રાજનો મોટો રેકોર્ડ તોડ્યો.ઇંગ્લેન્ડ સામેની જીત હરમનપ્રીત કૌરની કેપ્ટન તરીકે ચોથી ટેસ્ટ જીત હતી. તેણીએ ફક્ત પાંચ ટેસ્ટમાં ચાર મેચ જીતી છે, જે ભારતીય મહિલા કેપ્ટન દ્વારા સૌથી વધુ ટેસ્ટ જીતનો નવો રેકોર્ડ બનાવે છે. અગાઉ, આ રેકોર્ડ મિતાલી રાજના નામે હતો, જેણે આઠ ટેસ્ટમાં ત્રણ ટેસ્ટ જીતી હતી.હરમનપ્રીતે આ મેચમાં કેપ્ટનશીપ અને બેટ બંનેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણીએ પ્રથમ ઇનિંગમાં ૫૮ રન બનાવ્યા, જેનાથી ભારતે ૨૮૫ રનનો મજબૂત સ્કોર બનાવ્યો. ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, પ્રથમ ઇનિંગમાં ૧૦૫ રનની લીડ લીધી અને અંતે ૨૭૦ રનની ઐતિહાસિક જીત મેળવી. આ જીતમાં યસ્તિકા ભાટિયા, સ્મૃતિ મંધાના અને ઝડપી બોલર ક્રાંતિ ગૌડનું પ્રદર્શન પણ મહત્વપૂર્ણ રહ્યું.હરમનપ્રીત કૌર હવે લોર્ડ્સમાં ટેસ્ટ મેચ જીતનારા ભારતીય કેપ્ટનોની યાદીમાં જાડાઈ ગઈ છે. તે આ ઐતિહાસિક મેદાન પર ટેસ્ટ મેચ જીતનારી ચોથી ભારતીય કેપ્ટન બની છે. તેમના પહેલા ફક્ત કપિલ દેવ (૧૯૮૬), મહેન્દ્ર સિંહ ધોની (૨૦૧૪) અને વિરાટ કોહલી (૨૦૨૧) એ જ ભારતીય ટીમને લોર્ડ્સમાં ટેસ્ટ જીત અપાવી છે. હરમનપ્રીત કૌર પહેલાથી જ ભારતીય મહિલા ટી ૨૦ ટીમની સૌથી સફળ કેપ્ટન છે. તેમના કેપ્ટનશિપ હેઠળ, ભારતે ૮૪ ટી ૨૦ મેચ જીતી છે. ત્રણેય ફોર્મેટમાં ૧૧૮ જીત સાથે, તે ભારતીય મહિલા ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન છે.













































