ગુજરાત પોલીસ વિભાગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિભાગીય બઢતી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય આપતાં બઢતીના નિયમોને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ ચુકાદા બાદ લાંબા સમયથી અટવાયેલી વિભાગીય પ્રમોશન પ્રક્રિયા ફરી ગતિ પકડશે.
હાઇકોર્ટના નિર્ણયથી રાજ્યના આશરે ૧૮૦૦ પોલીસ કર્મચારીઓને સીધો લાભ મળશે. વિભાગીય પરીક્ષા અને પ્રમોશનની રાહ જાઈ રહેલા પોલીસ કર્મચારીઓ માટે હવે પીએસઆઇ તરીકે બઢતી મેળવવાનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.પીએસઆઇ વિભાગીય બઢતી માટે નક્કી કરાયેલા નિયમો સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ બઢતી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરી હતી. જાકે, કોર્ટે અરજીમાં રજૂ થયેલા મુદ્દાઓને સ્વીકાર્યા નહીં અને અરજી ફગાવી દીધી.કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રમોશન માટે લેવામાં આવતી વિભાગીય પરીક્ષા અને તેની પ્રક્રિયામાં ન્યાયિક હસ્તક્ષેપ કરવાની જરૂરિયાત જણાતી નથી. આ સાથે વિભાગીય બઢતી પ્રક્રિયા આગળ વધવાનો માર્ગ ખુલ્લો થયો છે.ચુકાદા બાદ હવે રાજ્યમાં લાંબા સમયથી ખાલી પડેલી પીએસઆઇની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ઝડપી બનવાની સંભાવના છે. લાયકાત ધરાવતા અને વિભાગીય પરીક્ષા પાસ કરનારા પોલીસ કર્મચારીઓને બઢતી મળતા પોલીસ દળમાં અધિકારીઓની સંખ્યામાં વધારો થશે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જાઈ રહેલા અનેક પોલીસ કર્મચારીઓ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વિભાગીય બઢતી પ્રક્રિયા આગળ વધતા કર્મચારીઓની કારકિર્દીમાં પ્રગતિનો માર્ગ ખુલશે અને પોલીસ તંત્રને પણ તેનો લાભ મળશે.







































